ટૉરન્ટો (કૅનેડા): યુરોપના પોર્ટુગલ દેશની ફૂટબૉલ ટીમ એના કૅપ્ટન અને સૉકર સુપરસ્ટાર 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને આ વખતનો ફિફા વર્લ્ડ કપ જિતાડીને તેના આ સંભવિત અંતિમ વર્લ્ડ કપમાં શાનદાર ફેરવેલ આપવા મક્કમ છે, પણ એ પહેલાં તેઓ તેમના ભૂતપૂર્વ ફૂટબોલર સદગત ડિયોગો જૉટા (Jota)ને અર્પણ કરવા દૃઢ છે. પોર્ટુગલની આગામી મૅચ (ભારતીય સમય અનુસાર શુક્રવાર, ત્રીજી જુલાઈએ વહેલી સવારે 4.30 વાગ્યાથી) ક્રોએશિયા સામે રમાશે.
28 વર્ષના ડિયોગો જૉટાનું બરાબર એક વર્ષ પહેલાં (2025ની ત્રીજી જુલાઈએ) સ્પેનમાં કાર અકસ્માતમાં મૃત્યુ (Killed) થયું હતું. યોગાનુયોગ, પોર્ટુગલની ક્રોએશિયા સામેની મૅચ ત્રીજી જુલાઈએ છે. ડિયોગો જૉટા પોર્ટુગલનો ખૂબ લોકપ્રિય ફૂટબોલર હતો. તેણે વર્ષોથી રુટ નામની જે ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપ હતી તેની સાથે લગ્ન કર્યાં એના 11 દિવસ બાદ જૉટાનું અને તેના ભાઈ આન્દ્રે સિલ્વાના કાર ઍક્સિડન્ટમાં મૃત્યુ થયા હતા.

જૉટાનું 21 નંબરનું જર્સી હવે નેવીઝ નામનો ખેલાડી પહેરીને રમે છે. નેવીઝે એક મુલાકાતમાં કહ્યું છે, `અમે ડિયોગો અને તેની ગર્લફ્રેન્ડ રુટ સાથે વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું હતું જે હજી પણ અમે ચાલુ રાખ્યું છે અને એના પર અમારું ચૅટિંગ ચાલુ જ હોય છે. જ્યારે કંઈક સ્પેશ્યલ બને ત્યારે અમે એ ગ્રૂપમાં શૅર કરીએ છીએ.
વર્લ્ડ કપમાં પોર્ટુગલની તરફેણ કરતા અસંખ્ય ફૂટબૉલપ્રેમીઓ ખાસ ત્રીજી જુલાઈની મૅચ જોવા માટે ટૉરન્ટો પહોંચી ગયા હતા.
રોનાલ્ડો વિ. મૉડ્રિચ
પોર્ટુગલ-ક્રોએશિયા વચ્ચે કુલ 10 મૅચ રમાઈ છે જેમાંથી સાત પોર્ટુગલે અને એક ક્રોએશિયાએ જીતી છે અને બાકીની બે મૅચ ડ્રૉમાં પરિણમી છે. રોનાલ્ડો અને ક્રોએશિયાના લુકા મૉડ્રિચ વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ આ મૅચમાં જોવા મળશે. રિયલ મૅડ્રિડના આ બન્ને ભૂતપૂર્વ ખેલાડીનો આ લગભગ છેલ્લો વર્લ્ડ કપ છે.