અમદાવાદઃ એક દિવસ થોડો ધીમો પડ્યા બાદ વરસાદ ફરી જોરમાં આવ્યો હતો અને રવિવારે સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને પાણી પાણી કરી નાખ્યું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર અમરેલીના ધારીમાં 8.98 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધારીમાં 6.85 ઇંચ, ખાંભામાં 5.51 ઇંચ, લીલીયામાં 4.21 ઇંચ, બગસરામાં 4.17 ઇંચ, સાવરકુંડલામાં 3.98 ઇંચ અને જાફરાબાદમાં 3.82 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથના ઉનામાં પણ 3.98 ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ગીર ગઢડામાં 2.38 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભાવનગરના મહુઆમાં 2.44 ઇંચ જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કુલ નવ જેટલા તાલુકામાં એક કરતા વધારે ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 97 તાલુકામાં ભારેથી સામાન્ય વરસાદ નોંધાયો હતો. ભારે અને સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે.
દરમિયાન સતત વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર મહુવા શહેર અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે માલણ નદીમાં ઘોડાપૂર આવતાં નદી બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે માલણ નદીમાં સતત પાણીની આવક વધતાં નદી ઉફાન પર પહોંચી હતી અને બંને કાંઠે વહેતી થઈ હતી. નદીના જળસ્તરમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ચાલુ ચોમાસામાં મહુવાનો કુલ વરસાદ 10 ઇંચને પાર પહોંચી ગયો છે, જે સિઝનની દૃષ્ટિએ નોંધપાત્ર માનવામાં આવે છે.
ઉનામાં પણ મુશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓ અને વાડીઓ તરફ જતાં કાચા માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં અને જમીનનું ધોવાણ થતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. પાકને ભારે નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે, તેવી માહિતી સ્થાનિકોએ આપી હતી.
દરમિયાન હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી હતી. આજે એટલે કે ૬ જુલાઈ માટે ડાંગ, નવસારી અને વલસાડ માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.