Sun Jul 05 2026

Logo

આલિયા ભટ્ટની 'અલ્ફા' એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર પકડી રફતાર, શનિવારે કર્યું શાનદાર કલેક્શન

2026-07-05 09:27:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને શરવરી વાઘ (Sharvari Wagh) ની મોસ્ટ અવેટેડ સ્પાઈ-થ્રિલર ફિલ્મ 'અલ્ફા' (Alpha) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. યશરાજ ફિલ્મ્સ (YRF) ના 'સ્પાય યુનિવર્સ' (Spy Universe) ની આ પ્રથમ મહિલા લીડ રોલ વાળી ફિલ્મ 3 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી. દર્શકો અને ક્રિટિક્સ તરફથી મળેલી મિશ્ર પ્રતિક્રિયાઓ છતાં, ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે અને બીજા દિવસે એટલે કે પહેલા શનિવારે તેની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

બીજા દિવસે કમાણીમાં 2 કરોડનો વધારો

'અલ્ફા' એ ભારતમાં ઓપનિંગ ડે પર 9.25 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા દિવસે (શનિવારે) ફિલ્મે શાનદાર રફતાર પકડતા 11.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે કલેક્શનમાં 2 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે જ ફિલ્મનું કુલ સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શન 20.50 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. બીજી તરફ, ગ્લોબલ લેવલે પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે અને બે દિવસમાં વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 37 કરોડને પાર થઈ ગયું છે.

‘આલ્ફા’ને શરૂઆતમાં નકારાત્મક પ્રતિક્રિયાઓ મળી હતી

શરૂઆતમાં ટ્રેલર લોન્ચ થયા બાદ સોશિયલ મીડિયા પર મળેલી નકારાત્મક પ્રતિક્રિયાઓ છતાં 'અલ્ફા' એ બોક્સ ઓફિસ પર એક મહત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઓપનિંગ ડે પર 9.25 કરોડથી વધુની કમાણી સાથે આ ફિલ્મ આલિયા ભટ્ટના કરિયરની 10મી સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. તેણે આલિયાની જ ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' (9.૦2 કરોડ) નો રેકોર્ડ તોડીને ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે.

બોબી દેઓલ વિલન અને હૃતિક રોશનનો ધમાકેદાર કેમિયો

YRF સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શરવરી વાઘ પ્રથમ વખત સાથે એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં છે, જેમાં બોબી દેઓલે ખતરનાક વિલનનું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત, ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઈઝ 'વોર' (War) ફિલ્મના કબીર એટલે કે હૃતિક રોશન (Hrithik Roshan) નો કેમિયો છે, જેને થિયેટરોમાં દર્શકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

ફિલ્મમેકર કરણ જોહર અને એક્ટ્રેસ કરીના કપૂર ખાને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને 'અલ્ફા' અને આલિયા-શારવરીના એક્શન અવતારના ભરપેટ વખાણ કર્યા છે. વીકેન્ડના ટ્રેન્ડને જોતા મેકર્સને આશા છે કે રવિવારે કમાણીના આંકડામાં હજુ વધુ મોટો ઉછાળો આવી શકે છે.