અમદાવાદઃ માત્ર એક જ વરસાદમાં સુરતના પાંચ રોડ ધસી પડ્યા હતા અને કાર સમાઈ જાય તેવા મોટા ભૂવા રોડ પર પડ્યા હતા ત્યારે અમદાવાદમાં પણ નવા તૈયાર થયેલા લગભગ 200 કરતા વધારે રોડની પરીક્ષા પહેલા વરસાદમાં થશે.
અમદાવાદમાં વિવિધ કામોને લીધે તોડીને ફરી બંધાયેલાની આ ચોમાસામાં વાસ્તવિક પરીક્ષા થશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં શહેરભરમાં યુટિલિટિ વર્ક્સ ખૂબ જ મોટા પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યું હતું. આથી અમદાવાદના 220 થી વધુ રસ્તાઓને ચોમાસા દરમિયાન ખરાબ થશે, તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવા રસ્તાઓનું સૌથી વધુ પ્રમાણ વસ્ત્રાલમાં છે, જ્યાં 25 રસ્તાઓ આ પ્રકારે વરસાદને લીધે ખરાબ થઈ શક છે. ત્યારબાદ ગોતામાં 24 રસ્તાઓ છે. થલતેજમાં 17, સરખેજમાં 14, ઘાટલોડિયામાં 12, શાહીબાગમાં 8 અને શાહપુર અને ચાંદલોડિયામાં 6-6 રસ્તાઓ છે. આ આઠ વિસ્તારો મળીને 220 રસ્તાઓમાંથી અડધાથી વધુ રસ્તાઓ છે જ્યાં વરસાદી પાણી, ડ્રેનેજ અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સને બેકફિલ કરતા પહેલા મોટા પાયે ખોદકામની જરૂર પડે છે.
અધિકારીઓને ડર છે કે ભારે વરસાદ પડતા જ આ ભાગોમાંના કેટલાક ભાગો નીચે માટી જમા થઈ શકે છે, જેના કારણે ખાડા પડી શકે છે કે રસ્તો ધસી શકે છે. મનપા હાલમાં મોટા પ્રમાણમાં અન્ડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવાના કામ હાથ ધરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં 3,000 કરોડ રૂપિયાથી વધુના 100 થી વધુ મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાં નવા વરસાદી પાણીના ગટર, જૂની ડ્રેનેજ પાઇપલાઇનોને બદલવા અને પાણી વિતરણ નેટવર્કનું વિસ્તરણ સામેલ છે. આ અંગે મનપાના સૂત્રો સીધો સંપર્ક થઈ શક્યો નથી.