અમરેલી: ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સવારે છથી લઈને બાર વાગ્યા સુધીમાં અમરેલીના રાજુલામાં 3.19 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જિલ્લાના અનેક જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. તો જિલ્લાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થઈ જતાં તેના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા.
આજે સવારથી અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. સવારે છથી લઈને 12 વાગ્યા સુધીમાં અમરેલીના રાજુલામાં 3.19 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જ્યારે લિલિયામાં 1.77 ઇંચ, ખાંભામાં 1.54 ઇંચ, જાફરાબાદમાં 0.63 ઇંચ, સાવર કુંડલામાં 0.55 ઇંચ, બગસરામાં 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન જિલ્લાના અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે અને ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને નદીના નીચાણવાળા 8થી વધુ ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત સાવર કુંડલા તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ ભારે વરસાદની સ્થિતિ વચ્ચે તાલુકાના ગીણીયા ગામમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટનાના અહેવાલ મળ્યા હતા. આ દુર્ઘટના બની તે સમયે 40 વર્ષીય મહિલા કૈલાશબેન માંગુડા રસોઈ બનાવી રહ્યા હતા અને આથી તે દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દીવાલ નીચે દબાઈ જવાથી મહિલાએ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે અનેક ગામો પ્રભાવિત થયા છે. પાણીના ઓવરટોપિંગ અને ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે રાજુલા, લીલીયા અને ખાંભા તાલુકાના અનેક આંતરિક માર્ગો બંધ કરાયા છે. તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે; જેમાં રાજુલાના બાબરીયાધાર-અમૂલી માર્ગને બદલે અમૂલી-માંડળ રોડ (૭ કિ.મી), લીલીયાના કુંતાણા માર્ગના બદલે ખારા કુંતાણા-ભોરીંગડા રોડ (૪ કિ.મી) અને ખાંભામાં તાતણીયા-ગીદરડી રોડના વિકલ્પ તરીકે તાતણીયા-પીપળવા-ગીદરડી રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ ઉપરાંત રાજુલાના છાપરી, ઉચ્ચૈયા અને ચોત્રા ગામના માર્ગો માટે પણ નજીકના ૨ થી ૬ કિલોમીટર લંબાઈના વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા છે.
તાજેતરની ૫ જુલાઈની સ્થિતિ અનુસાર, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વધુ કેટલાક મહત્વના રસ્તાઓ ડાયવર્ઝન ધોવાઈ જવા અને ઓવરટોપિંગના કારણે બંધ કરવાની ફરજ પડી છે. રાજુલામાં કાતર-કોટડી-અગરિયા રસ્તો અને હિંડોરાણા-કાતર-ડેડાણ રસ્તો બંધ થવાથી વાહનચાલકોને કાતર-ભાકુડા-નાગેશ્રીથી રાજુલા વાયા નેશનલ હાઈવે તરફ ડાયવર્ટ કરાયા છે, જેમાં ભારે વાહનો માટે ૩૫ કિ.મી અને અન્ય વાહનો માટે નાના બારમણ થઈને ૨૩ કિ.મીનો વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યો છે. બીજી તરફ, જાફરાબાદ તાલુકાનો ટીંબી એપ્રોચ રોડ બંધ હોવાથી લોકોને ટીંબીથી નેશનલ હાઈવે ૫૧ (NH 51) સુધીના ૧.૫ કિલોમીટરના ટૂંકા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.