તહેરાન: ઇરાનની રાજધાની તેહરાનમાં પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની વિધિ આજથી શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અંતિમ વિદાય સમારોહમાં એક કરોડથી વધુ લોકો સામેલ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ભારત સહિત વિશ્વના 100 થી વધુ દેશોના રાજદ્વારી પ્રતિનિધિઓ પણ તહેરાન પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ દરમિયાન થયેલા એક હવાઈ હુમલામાં 86 વર્ષીય અયાતુલ્લા અલી ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા હતા.
ગ્રાન્ડ મોસલ્લામાં કાચના કફનમાં રખાયો પાર્થિવ દેહ
તહેરાનના પ્રસિદ્ધ 'ગ્રાન્ડ મોસલ્લા' (Grand Mosalla) ખાતે ખામેનેઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કાચના કફનમાં રાખવામાં આવ્યો છે. અંતિમ દર્શન માટે પહોંચેલા લાખો લોકો ભાવુક થઈને રડતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક જૂથો "આપણે બધા એક છીએ, બદલો લઈશું" ના નારા પણ લગાવી રહ્યા હતા. શિયા પરંપરા અનુસાર લોકોએ છાતી પીટીને શોક વ્યક્ત કર્યો હતો. ખામેનેઈના કફન પર તેમની કાળી પાઘડી રાખવામાં આવી હતી, જે પ્રોફેટ મોહમ્મદના વંશજ હોવાનું પ્રતીક માનવામાં આવે છે. ખામેનેઈના બાજુમાં તેમના પરિવારના અન્ય મૃતક સભ્યોના દેહ પણ રાખવામાં આવ્યા છે.
લોકો પર પાણીનો છંટકાવ અને ઠંડા પીણાની વ્યવસ્થા
અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, જેથી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વચ્ચે લોકો પર પાણીનો છંટકાવ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભીડને વર્ષ 1989 માં આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેનીના અંતિમ સંસ્કાર પછીની સૌથી મોટી ભીડ માનવામાં આવી રહી છે. ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારત સરકાર વતી એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હાજર રહ્યું હતું. જેમાં બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા સામેલ થયા હતા.
વિવિધ શહેરો અને ઇરાકમાં પણ જશે અંતિમ યાત્રા
અંતિમ સંસ્કાર દરમિયાન તહેરાનમાં કડક સુરક્ષા વચ્ચે કેટલાક લોકોના હાથમાં અમેરિકા વિરોધી બેનરો પણ જોવા મળ્યા હતા. ઇરાની સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે, આ શોક કાર્યક્રમ આગામી કેટલાક દિવસો સુધી ચાલશે. તહેરાન બાદ ખામેનેઈના પાર્થિવ દેહને ઇરાનના અન્ય અગ્રણી શહેરો અને પાડોશી દેશ ઇરાક પણ લઈ જવામાં આવશે. આ ભવ્ય શોક સભાના કારણે તેહરાનના અનેક રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.