Sun Jul 05 2026

Logo

PoK માં આવતીકાલે થશે ખરાખરીની જંગ! પાકિસ્તાન સરકાર સામે ઐતિહાસિક બળવો

islamabad   2026-07-04 22:44:43
Author: Devayat Khatana
Article Image

AP


ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના કાયદા હેઠળનાં જમ્મુ કાશ્મીર (PoK) માં અત્યારે વિસ્ફોટક સ્થિતિ નિર્માણ પામી છે. ત્યાંની પ્રાંતીય સરકાર અને ગુપ્તચર એજન્સીઓના કડક પહેરાને અવગણીને પ્રતિબંધિત સંગઠન 'જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી' (JAAC) એ સમગ્ર વિસ્તારમાં એક મોટા અને ઐતિહાસિક વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. સંગઠનના વરિષ્ઠ નેતા ઉમર નઝીર કાશ્મીરીએ લોકોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર આવે, જેથી સરકારના દમનને તોડીને ગાયબ કરાયેલા સામાજિક કાર્યકર્તાઓને મુક્ત કરાવી શકાય.

આ નવા હોબાળા પાછળનું મુખ્ય કારણ મોટા વેપારી નેતા અને JAAC ના મુખ્ય પ્રવક્તા શૌકત નવાઝ મીરની ધરપકડ છે. શૌકત મીર એક ધરણામાં સામેલ થવા જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક પોલીસે તેમને ઉઠાવી લીધા હતા અને કોઈ અજ્ઞાત સ્થળે કેદ કરી દીધા હોવાના અહેવાલ છે. તેમની સાથે સેંકડો સામાન્ય કાર્યકરોને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

PoK માં છેલ્લા ઘણા મહિનાઓથી અસંતોષની આગ ભભૂકી રહી છે. ત્યાં લોટ સહિતની વસ્તુઓના આસમાને પહોંચેલા ભાવો, વીજળી પર લાદવામાં આવેલા ભારે ટેક્સ અને સુરક્ષાદળો દ્વારા થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન સામે મહિનાઓથી હડતાલ અને ધરણા ચાલી રહ્યા હતા. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે પાકિસ્તાની શાસકોએ થોડા સમય પહેલા જ JAAC પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. 

આ પ્રદર્શનને રોકવા માટે મુઝફ્ફરાબાદ અને આસપાસના જિલ્લાઓને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. ઠેર-ઠેર પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આમ છતાં, આંદોલનની કમાન સંભાળી રહેલા સ્થાનિક લોકો પાછળ હટવા તૈયાર નથી.