Wed Aug 19 2026

Logo

લગ્નમાં હોમ થિયેટર બોમ્બ ગિફ્ટ આપી વરરાજા અને તેના ભાઈની હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદની સજા

2026-08-19 13:59:00
Author: Vimal Prajapati
Article Image

કબીરધામ: છત્તીસગઢના કબીરધામ જિલ્લાની એક અદાલતે લગ્નના ગિફ્ટમાં હોમ થિયેટર બોમ્બ આપીને વરરાજા અને તેના ભાઈની હત્યા કરવાના ચકચારી કેસમાં 33 વર્ષીય સરજૂ મરકામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને હત્યા, હત્યાનો પ્રયાસ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ દોષિત જાહેર કર્યો છે. આ સનસનાટીભરી ઘટના એપ્રિલ 2023માં રેંગાખાર થાણા વિસ્તારના ચમારી ગામમાં બની હતી.

એકતરફી પ્રેમ અને બદલો લેવાનું કાવતરું

આ સમગ્ર મામલો એકતરફી પ્રેમ અને બદલાની લાગણી સાથે જોડાયેલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સરજૂ મરકામ એક યુવતીને પ્રેમ કરતો હતો, પરંતુ યુવતીએ તેની સાથે લગ્ન ન કરી હેમેન્દ્ર મેરાવી નામના યુવક સાથે ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ આરોપી સરજૂએ હેમેન્દ્ર સાથે ફોન પર વાત કરી હતી, જેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારપછી સરજૂએ બદલો લેવા માટે આ ખતરનાક ષડયંત્ર રચ્યું હતું.

હોમ થિયેટરમાં છુપાવ્યો હતો બોમ્બ

પોલીસ તપાસ પ્રમાણે આરોપીને વિસ્ફોટકો સાથે કામ કરવાનો અનુભવ હતો. જેથી આરોપીએ દારૂગોળો, એમોનિયમ નાઇટ્રેટ અને પેટ્રોલનો ઉપયોગ કરીને એક શક્તિશાળી વિસ્ફોટક તૈયાર કર્યો હતો. મધ્યપ્રદેશના બાલાઘાટથી ખરીદેલા એક હોમ થિયેટરની અંદર તેણે આ બોમ્બ ફિટ કરી દીધો હતો. ત્યારબાદ આરોપી પોતે બાઇક પર આવીને આ હોમ થિયેટર ગિફ્ટ તરીકે મૂકીને જતો રહ્યો હતો.

CCTV અને કૉલ ડિટેલ્સથી પકડાયો આરોપી

લગ્ન બાદ જ્યારે વરરાજા અને તેના પરિવારજનોએ આ હોમ થિયેટરને પ્લગમાં ભરાવી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જ તેમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેમાં વરરાજા હેમેન્દ્ર અને તેના ભાઈનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે કોલ ડિટેઇલ રેકોર્ડ્સ, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપી વિરૂદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા હતા. કેસની સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે સરજૂ મરકામને ગુનાહિત કાવતરું ઘડી બે નિર્દોષ લોકોની હત્યા કરવા બદલ દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.