ઇંગ્લૅન્ડ સામે બીજી ટી-20માં ભારતનો ચાર વિકેટે પરાજય
મૅન્ચેસ્ટરઃ ઇંગ્લૅન્ડ સામે અહીં ઑલ્ડ ટ્રેફર્ડ (Old Trafford)માં ભારતનો શનિવારે સિરીઝની બીજી ટી-20માં ચાર વિકેટે પરાજય થયો હતો. ભારતે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં સાત વિકેટે 190 રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડે 19 ઓવરમાં છ વિકેટે 191 રન બનાવીને વિજય મેળવ્યો અને એ સાથે પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. પ્રથમ મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી અને હવે ત્રણ મૅચ બાકી છે. ત્રીજી ટી-20 મંગળવારે (રાત્રે 10.00 વાગ્યાથી) નૉટિંગમમાં રમાશે.
આયરલૅન્ડમાં ભારતીય ટીમની 0-2થી નાલેશી થયા બાદ હવે ઇંગ્લૅન્ડ (England)માં નામોશી થઈ છે. જૅકબ બેથેલ (76 અણનમ, 46 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. કૅપ્ટન હૅરી બ્રૂક (39 રન, 15 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને ટૉમ બૅન્ટન (39 રન, 32 બૉલ, છ ફોર)ના પણ બ્રિટિશરોની જીતમાં સાધારણ યોગદાન હતા, પણ બેથેલ (Bethell) ભારતને સૌથી વધુ નડ્યો હતો. 17મી ઓવર સ્પિનર રવિ બિશ્નોઈની હતી જેમાં જે 29 રન બન્યા એ ભારતને ખૂબ નડ્યા હતા. એ ઓવરમાં બેથેલે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા હતા. એ કમનસીબ ઓવર આ મુજબ રહીઃ નો બૉલ (બે રન), 6 રન, નો બૉલ (1 રન), 6 રન, બે રન, 4 રન, 6 રન, બે રન.
Shreyas Iyer during toss - " Pressure is a privilege"
— PRATHAM_18 (@Uncle_kohli) July 4, 2026
Jacob Bethell - " Let me show you how to handle that "
Generational player sir jacob bethell 🥶❤️🔥
pic.twitter.com/vtQYP9Ic0o
ભારતીય બોલર્સમાં પ્રથમ ઓવરમાં જ બ્રિટિશરોને બે ઝટકા આપનાર અર્શદીપ સિંહે કુલ ત્રણ તેમ જ હર્ષિત રાણા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી. બિશ્નોઈને 60 રનમાં એકેય વિકેટ નહોતી મળી.
એ પહેલાં, ભારતના 190 રનમાં એક પણ હાફ સેન્ચુરી નહોતી. ભારતના 190 રનમાં ઇશાન કિશન (49 રન, 40 બૉલ, છ ફોર) ટૉપ-સ્કોરર હતો. અભિષેક શર્માએ આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન તથા શ્રેયસ ઐયરે 37 રન બનાવ્યા હતા. નવોદિત વૈભવ સૂર્યવંશી (14 રન), શિવમ દુબે (પાંચ રન) અને અક્ષર પટેલ (બે રન)ના સારા યોગદાન નહોતા, પણ તિલક વર્મા (24 અણનમ, 11 બૉલ, બે સિક્સર, એક ફોર)એ છેલ્લી ઓવર્સમાં 218.18ના સ્ટ્રાઇક-રેટ સાથે થોડી ફટકાબાજી કરીને ભારતનો સ્કોર 200 રનની નજીક પહોંચાડ્યો હતો. હર્ષિતે એક સિક્સરની મદદથી છ રન બનાવ્યા હતા. બ્રિટિશ બોલર્સમાં પેસ બોલર સૅમ કરૅન સૌથી સફળ હતો. તેણે ત્રણ તેમ જ બીજા પેસ બોલર જોફ્રા આર્ચરે એક વિકેટ તેમ જ બે સ્પિનર વિલ જૅક્સ અને લિઆમ ડૉસને એક-એક વિકેટ લીધી હતી.