Sun Jul 05 2026

Logo

PM મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલાં જાનથી મારી નાંખવાની ધમકી, તપાસનો ધમધમાટ શરૂ

2026-07-04 21:43:16
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા દેશનો પ્રવાસ કરવાના છે. આ પ્રવાસ શરૂ થાય એ પહેલા જ એમને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આ ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ચૂકી છે. તપાસ એજન્સી આવી ધમકી કોણે આપી એની તપાસ કરી રહી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર ફેસબુક પોસ્ટ મારફતે આ ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. આ ધમકી મેલબોર્ન મીટ્સ કાર્યક્રમના પ્રચાર સાથે જોડાયેલી એક પોસ્ટ પરથી આપવામાં આવી હતી. આ પોસ્ટની નીચે આ ધમકી લખી હતી. 

તપાસનો ધમધમાટ શરૂ
ઓસ્ટ્રેલિયાના એક મીડિયા અહેવાલ અનુસાર, મોદી ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે એ અંગે જ્યારે ઓસ્ટ્રેલિયામાં જાણકારી આપવામાં આવી એ સમયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી.જેમાં નીચે જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી  હતી.આ ધમકી મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાના સુરક્ષા વિભાગના અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી દીધી હતી. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા.6 જુલાઈથી 11 જુલાઈ સુધી વિદેશ યાત્રા પર છે. આ વિદેશ યાત્રામાં તેઓ ઓસ્ટ્રેલિયા જવાના છે. સૌથી પહેલા તેઓ ઈન્ડોનેશિયા જશે. ત્યાંથી પછી ઓસ્ટ્રેલિયા જશે અને ન્યૂઝીલેન્ડમાં એમની વિદેશ યાત્રા સમાપ્ત થશે. જ્યારે પણ વિદેશ યાત્રા માટે PM નરેન્દ્ર મોદી નીકળે છે એ સમયે અનેક એવા લેયર્સમાં સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સુરક્ષાના ઘેરામાં મહેમાન અને યજમાન બન્ને દેશના સુરક્ષા પ્રતિનિધિ મંડળના ઉચ્ચ જવાનો સામેલ હોય છે.

9 જુલાઈએ છે ભવ્ય કાર્યક્રમ
હાલમાં આ મામલે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.ઓસ્ટ્રેલિયાના ઉચ્ચ અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. વડા પ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થા માટે જે તે વિભાગના સંબંધિત જવાબદાર અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા ફાઉન્ડેશન નામના જે ગ્રૂપમાંથી આ પોસ્ટ થઈ છે એ ગ્રૂપના આશરે 16000 ફોલોઅર્સ છે. આ ગ્રૂપ પ્રવાસી ભારતીયોની રેલીઓનું આયોજન કરે છે. મેલબોર્નમાં થનારો આ કાર્યક્રમ 9 જુલાઈએ ઓસ્ટ્રેલિયાના સમય અનુસાર 3.30 વાગ્યે યોજાશે.આ ઓનલાઈન પોસ્ટ પર ઓસ્ટ્રેલિયા પોલીસે તાત્કાલિક એક્શન લીધું છે. રિપોર્ટ અનુસાર ધમકી દેનારા શખ્સનું IP એડ્રેસ પોલીસ સુધી પહોંચી ગયું છે. હજુ સુધી કોઈ પ્રકારની ધરપકડ કરવામાં આવી છે કે નહીં એ અંગે વિગત નથી. ઓસ્ટ્રેલિયાની પોલીસે આ કેસમાં કોઈ ફોડ પાડ્યો નથી. જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું એ સમયે પણ પોલીસે કોઈ જવાબ આપ્યો નથી. 

અરબી ભાષામાં થઈ હતી કોમેન્ટ
9 જુલાઈના રોજ મેલબોર્નના માર્વલ સ્ટેડિયમમાં યોજાનારી એક કોમ્યુનિટી ઈવેન્ટમાં મોદી સામેલ થવાના છે. આ ધમકીની કોમેન્ટ અબુ મુસ્તફા નામના એક યુઝરે કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અરબી ભાષામાંથી અનુવાદ કરવામાં આવ્યો એ સમયે આ અંગે જાણકારી મળી હતી.ઈવેન્ટ દરમિયાન સ્ટેડિયમની છત બંધ કરી દેવી જોઈએ અન્યથા તેઓ (મોદી) ઓસ્ટ્રેલિયા પોતાની મોત માટે આવતા હશે એવું લખાણ લખ્યું હતું. આ વાત અનુવાદ કરતા સામે આવી હતી. આ સમગ્ર કેસની તપાસ ઓસ્ટ્રેલિયા પોલીસે શરૂ કરી દીધી હતી. જેને લઈને હવે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હવે ઓસ્ટ્રેલિયાના કાર્યક્રમ વખતે પણ સુરક્ષા વ્યવસ્થાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.