(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના બે પડોશી જિલ્લા થાણે અને પાલઘરમાં હવામાન વિભાગે આપેલી રેડ અલર્ટની ચેતવણી મુજબ શનિવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાનાં અને વૃક્ષો તથા દીવાલ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને અસર થવાની સાથે જ રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.
શનિવાર સવારથી થાણે શહેરમાં ભારે વરસાદ રહ્યો હતો. વરસાદનું જોર વધતું જતા થાણે, દિવા, મુંબ્રા અને ઘોડબંદર રોડના નીચાણવાળા વિસ્તાર સહિત થાણે શહેરમાં વંદના થિયેટર, ગોખલે રોડ, રામ મારુતી રોડ, કલવામાં પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે હાલાકી થઈ હતી. થાણેના વંદના થિયેટર પરિસરમાં પાણી ભરાઈ જતા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના પક્ષના કાર્યકર્તાઓએ આંદોલન કરીને નાળાસફાઈના કામ સામે સવાલ કર્યા હતા.
હવામાન વિભાગે થાણે જિલ્લા માટે ચાર અને પાંચ જુલાઈના રેડ અલર્ટ જાહેર કર્યું છે. આ પાર્શ્ર્વભૂમિ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાન રાખીને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલને રજા જાહેર કરવામાં આવી હતી. મહત્ત્વના કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવાની અપીલ પણ જિલ્લા પ્રશાસને કરી હતી
થાણે શહેરમાં સવારે ૮.૩૦ થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી ૮૮.૪૧ મિ.મી. વરસાદ નોંધાયો, જેના કારણે મોસમનો કુલ વરસાદ ૮૫૨.૪૬ મિ.મી. થયો છે.જ્યારે પાલઘર જિલ્લામાં આ જ સમયગાળા દરમિયાન ૯૭.૭૦ મિ.મીમ વરસાદ પડ્યો, જેના કારણે મોસમનો કુલ વરસાદ ૬૪૩.૧૦ મિ.મી. થયો છે. .
થાણે જિલ્લામાં, કલ્યાણ, ડોંબિવલી, ભિવંડી, બદલાપુર અને નવી મુંબઈમાં ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાં નવી મુંબઈમાં સવારના ૮.૩૦ વાગ્યાથી સાંજના ૪.૩૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૧૩.૨૦ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. કલવામાં, એક વૃક્ષ તૂટી પડતાં બે વાહનચાલકો ઘાયલ થયા, જ્યારે નવી મુંબઈના વાશીમાં એક વૃક્ષ પડવાથી એક કારને નુકસાન થયું, જોકે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પાલઘર જિલ્લામાં વસઈમાં પૂરગ્રસ્ત ઘરોમાં ફસાયેલા રહેવાસીઓને સ્થળાંતર કરવા માટે કટોકટી સેવાઓ કાર્યરત કરવામાં આવી હતી. પાલઘરના માંડોવીમાં પૂરમાં ૧૯ માણસો ફસાઈ ગયા હતા, તેમને બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર પ્રદેશમાં ટ્રાફિકમાં મોટા પાયે અવરોધો સર્જાયા હતા.
કોલગાંવ પુલ પર પૂરને કારણે પાલઘર-બોઈસર રસ્તો બંધ થઈ ગયો હતો, અને મનોર વાઘોબા ઘાટ નજીક હાઇવે પર એક ઝાડ ઊખડી પડવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. વધુમાં સફાલે-તાંદુલવાડી રસ્તો, ગોવડે-રાયપાડા રસ્તો અને શીલ અને દેહરજે ગામને જોડતો પુલ સહિત અનેક આંતરિક માર્ગો પર ભારે પાણી ભરાતા અને નદીઓ છલકાઈ જવાને કારણે બંધ થઈ ગયા હતા. વસઈ-વિરાર પાલિકામાં આવતા સકવાર ગામમાં વર્થા પાડામાં નદીમાં પૂર આવતા ૧૯ ફસાઈ ગયા, જેમાં ૧૩ લોકો બે સ્થાનિક પરવિાર અને ફેકટરી વર્કરો હતા, તેમની સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.