Sun Jul 05 2026

Logo

ડિજિટલ પાઇરેસી પર કેન્દ્ર સરકારની લાલ આંખ; ટેલીગ્રામને નોટિસ, 15 દિવસનો સમય આપ્યો...

2026-07-04 14:46:00
Author: Vimal Prajapati
Article Image

Image Credit : Bharat24


નવી દિલ્હી: મેસેજિંગ પ્લેટફોર્મ ટેલીગ્રામ પર ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મના પાઇરેટેડ કન્ટેન્ટના ગેરકાયદેસર પ્રસારણને લઈને કેન્દ્ર સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) ટેલિગ્રામને એક સત્તાવાર નોટિસ જારી કરીને કોપીરાઈટનું ઉલ્લંઘન કરતી તમામ ચેનલો અને કન્ટેન્ટ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

15 દિવસમાં એક્શન અંગેનો રિપોર્ટ સોંપવો પડશે

મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેલિગ્રામને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તે એવી તમામ ચેનલો વિરૂદ્ધ કડક પગલાં ભરે જે મુવીઝ અને ઓટીટી શોઝને ગેરકાયદેસર રીતે બ્રોડકાસ્ટ કે શેર કરે છે. આ સાથે જ સરકારે ટેલીગ્રામને 15 દિવસની અંદર 'એક્શન ટેકન રિપોર્ટ' (Action Taken Report) સબમિટ કરવા જણાવ્યું છે, જેમાં નોટિસ મળ્યા બાદ કંપનીએ પાઇરેસી રોકવા માટે શું પગલાં લીધા તેની વિગત આપવાની રહેશે.

ક્રિએટર ઇકોનોમી અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને અસર

કેન્દ્ર સરકારનું માનવું છે કે, ઓનલાઇન પાઇરેસીના કારણે દેશની ક્રિએટર ઇકોનોમીને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને ફિલ્મો બોક્સ ઓફિસ પર આવેતા તે જ દિવસે ટેલીગ્રામમાં પણ શેર થઈ જાય છે. જેના કારણે ટેલીગ્રામને આ આદેશ આપવામાં આવ્યો છે. ટેલીગ્રામમાં કેન્ટેન શેર કરવામાં આવતું હોવાથી આમાં સૌથી વધારે ફિલ્મ ઉદ્યોગ, ટીવી બ્રોડકાસ્ટર્સ, ઓટીટી પ્લેટફોર્મ, ફિલ્મ પ્રોડ્યસર્સ અને ડિસ્ટ્રિબ્યૂટર્સને નુકસાન થયા છે. 

એક્શન નહીં લેવાય તો સરકાર આકરી કાર્યવાહી કરશે

જો ટેલીગ્રામ નિયત સમયમર્યાદામાં આ બાબતે કોઈ અસરકારક અને સંતોષકારક પગલાં નહીં ભરે, તો કેન્દ્ર સરકાર આગામી સમયમાં તેની સામે વધુ કડક કાનૂની અથવા વહીવટી કાર્યવાહી કરશે તેવું પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર કોપીરાઈટના ઉલ્લંઘનને રોકવા અને મનોરંજન જગતના હિતોની રક્ષા કરવા માટે સરકારનું આ પગલું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.