Sun Jul 05 2026

Logo

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ટ્રાફિકથી મુક્તિ: 1.48 KM લાંબા કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ, નર્મદા કેનાલ પર પણ બનશે 12 લેનનો નવો બ્રિજ

2026-07-05 12:40:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરનો નવિન કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂક્યો છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા અમદાવાદ  શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા અડધો-અડધ ભાગીદારીથી આ નવિન ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
 
રૂ.175 કરોડના અંદાજીત ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌ પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ છે. આ બ્રિજના લોકાર્પણ સાથે ગાંધીનગર-અમદાવાદ કોરિડોર પર કોબા સર્કલથી ભાટે સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના હાલના 6 લેન બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતર કરવાની કામગીરીનું પણ ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.

 
ટ્રાફિક જામના કારણે બોટલનેકની સર્જાતી સ્થિતિના નિવારણ માટે કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચેના હાલના બ્રિજની બંન્ને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજના નિર્માણ માટે રૂ. 48 કરોડનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે સમગ્ર કોરિડોરમાં સતત છ લેનની ક્ષમતા જળવાઈ રહેશે અને ભવિષ્યના વધતા વાહન વ્યવહારને પણ સરળતાથી સંભાળી શકાશે.
 
ગાંધીનર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. રિંગરોડ પર મળીને દરરોજ અંદાજે કુલ આશરે 1.93 લાખથી વધુ વાહનોની અવર-જવર રહે છે. ગાંધીનગર-એરપોર્ટ રોડ પર આવેલું ભાટ સર્કલ મુખ્ય જંકશન હોવાના કારણે ત્યાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે અને વાહન ચાલકોના સમય, ઈંધણ અને નાણાંનો વ્યય થાય છે. 

હવે, આ નવા કેબલ સ્ટેડ બ્રિજ કાર્યરત થવાથી એસ.પી. રિંગ રોડનો ટ્રાફિક બ્રિજની નીચેથી તેમજ અમદાવાદ-ગાંધીનગર તરફનો ટ્રાફિક બ્રિજ ઉપરથી એમ બે અલગ-અલગ સ્તરે સરળતાથી અવર-જવર કરી શકશે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મૂક્તિ મળશે. એટલું જ નહિ, એસ.પી. રિંગરોડ, બરોડા અને સુરત તરફ જતા વાહન ટ્રાફિકની સુગમતા માટે ત્રણ-ત્રણ એમ કુલ 6 લેન અલાયદા સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે.