Sun Jul 05 2026

Logo

અમરેલી જિલ્લામાં મેઘતાંડવ: રાજુલામાં સૌથી વધુ 7.83 ઈંચ વરસાદ, 76 તાલુકાઓમાં મેઘમહેર

2026-07-05 15:49:04
Author: Devayat Khatana
Article Image

અમરેલી/વેરાવળ: આજે ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે અમરેલી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આજે બપોરે બે વાગ્યા સુધીમાં રાજુલામાં 7.83 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ખાંભામાં 4.25 ઇંચ, લિલિયામાં 4.06 ઇંચ, સાવર કુંડલામાં 3.19 ઇંચ, જાફરાબાદમાં 2.99 ઇંચ, બગસરામાં 1.65 ઇંચ, ભાવનગરના મહુવામાં 2.05 ઇંચ, ઉના અને ગીર ગઢડામાં 1.5 ઇંચ, ધારીમાં 1.42 ઇંચ વરસાદ પડ્યો છે. 

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ 8 કલાકના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ભારે ધડબડાટી બોલાવી છે, જેમાં અમરેલીના રાજુલા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 7.83 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

રાજુલા ઉપરાંત અમરેલીના અન્ય તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખાંભામાં 4.25 ઇંચ, લિલિયામાં 4.06 ઇંચ, સાવરકુંડલામાં 3.19 ઇંચ અને જાફરાબાદમાં 2.99 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય, ભાવનગર જિલ્લાના મહુવામાં 2.05 ઇંચ અને ગીર સોમનાથના ઊના તેમજ ગીર ગઢડા બંને તાલુકાઓમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર યાદી જોતાં સ્પષ્ટ થાય છે કે રાજ્યના અન્ય ભાગોની સરખામણીમાં સૌરાષ્ટ્ર પંથકમાં, ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર પટ્ટામાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે.  

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના પરિણામે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે ઉના તાલુકાના સૈયદ રાજપરામાં લાંગરેલી 5 થી 6  બોટ અને 2-3 નાની હોડીઓ લાંગરેલી હતી અને ભારે વરસાદ અને ઝડપી પવન તેમજ નદીના ધસમસતા પ્રવાહનાં કારણે આ બોટ તેમજ હોડીઓ લંગર તોડી સમુદ્રમાં તણાઇ હતી. તણાઈ ગયેલી બોટમાંથી એક બોટમાં 4 માછીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બોટ-હોડીના રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડના જવાનો સૈયદ રાજપરા ખાતે રવાના થયા હતાં. કોસ્ટગાર્ડ દ્વારા નવાબંદર ખાતે કમલેશ જીલુભાઇ બારૈયા, નરશી બચુભાઇ બાંભણીયા, રવજી બાબુભાઇ શિયાળ તથા રામજી બાબુભાઇ શિયાળને સહી સલામત રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યાં હતાં.