(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ રવિવારે સવારના ભારે વરસાદ અને તોફાની પવનને કારણે મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર એક કલાક માટે વિમાન સેવા ખોરવાઈ ગઈ હતી, તેને કારણે અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ શેડ્યુલ ચૂકી ગઈ હતી. રવિવારે સવારના મુંબઈમાં ભારે પવન ફૂંકાવાની સાથ જ ભારે વરસાદ રહ્યો હતો, તેને પગલે ઍરપોર્ટ અધિકારીઓને રવિવારે એક કલાક માટે રનવે કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી, જેના કારણે વિમાન સેવાને ફટકો હતો.
સહારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર સવારે ૧૦.૧૭ થી ૧૧.૧૭ વાગ્યા સુધી બંધ રહેવાથી ઘણી ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ફ્લાઇટ પર અસર પડી હતી, જેના કારણે મુસાફરોને સરેરાશ ૭૫ મિનિટ પ્રસ્થાન વિલંબ અને ઓછામાં ઓછા ૨૮ મિનિટ આગમન વિલંબનો સામનો કરવો પડ્યો હતો.
મળેલ માહિતી અનુસાર એરપોર્ટ પર ૮૭ ટકા ફ્લાઇટ મોડી પડી હતી. જ્યારે અન્ય ૬૨ ટકા મોડી આવી હતી. સવારે આશરે ૧૦.૧૭ વાગ્યે, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, જેમાં ૪૨ નોટ સુધીના જોરદાર પવનો અને ભારે વરસાદને કારણે દૃશ્યતામાં ઘટાડો થયો હતો, રનવે કામગીરીને અસર થઈ હતી. પ્રક્રિયા મુજબ, મુસાફરો, વિમાન અને ગ્રાઉન્ડ સ્ટાફની સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે રનવે કામગીરીને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.
મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું. હવામાન સ્થિતિમાં સુધારો થયા બાદ, એક કલાક પછી સામાન્ય રનવે કામગીરી ફરી શરૂ થઈ. એર ટ્રાફિક કંટ્રોલના સૂત્રો અનુસાર, એરપોર્ટ દરરોજ ૯૮૦ થી ૧,૦૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જેમાં સરેરાશ ૪૮ એર ટ્રાફિક મૂવમેન્ટ- ૨૪ આગમન અને ૨૪ પ્રસ્થાન પ્રતિ કલાક થાય છે. મળેલ ડેટા મુજબ, શહેર તરફ જતી ૩ ટકા ફ્લાઇટ હવામાન પરિસ્થિતિઓને કારણે રદ કરવામાં આવી હતી.