સાણંદઃ ગુજરાતના સાણંદમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો અને રમૂજી અંદાજ જોવા મળ્યો હતો. સાણંદમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતી વખતે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થયેલો પ્રખ્યાત ડાયલોગ ‘સુન રહે હો ના, વિનોદ’ બોલ્યો હતો. પીએમ મોદીના મોઢે આ લાઇન સાંભળતાની સાથે જ સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો.
સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં ‘સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ’ (CG Semi Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સના ચેરમેન વેલ્લયન સુબૈયાએ પોતાના સંબોધનમાં બે પ્રખ્યાત ગુજરાતી કહેવતોનો ઉપયોગ કર્યો હતો.
Sun rahe ho na BINOD😅 pic.twitter.com/CemkekgSnm
— Harsh Sanghavi (@sanghaviharsh) July 4, 2026
સુબૈયાએ પોતાના ભાષણ દરમિયાન સરકારનો વિકાસ પ્રત્યેનો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે અને હવે આ દિશામાં આગળ વધવાની જવાબદારી ઉદ્યોગ જગતની છે. તેમણે દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદન અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની કંપનીની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ્સનો જથ્થો જાપાન સ્થિત ભાગીદારોને મોકલવામાં આવી રહ્યો છે. આ સાથે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયું છે. આ દરમિયાન તેમણે ‘નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન’ અને ‘કામ બોલે છે’ એવી બે પ્રખ્યાત ગુજરાતી કહેવતોનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ ગુજરાતી કહેવતોનો ઉલ્લેખ કર્યો
આ દરમિયાન પીએમ મોદીએ પણ આ ગુજરાતી કહેવતો કહેવા બદલ વેલ્લયન સુબૈયાના વખાણ કર્યાં હતાં. કહ્યું કે, ‘હું ક્યારેય નાના લક્ષ્યો નથી રાખતો અને ન તો નાની વિચારસરણી રાખું છું. જો મારે કોઈ પ્રતિમા બનાવવી હોય, તો હું તેને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી દઉ છું. જ્યારે પીએમ મોદી સ્ટેજ પર સંબોધન કરવા આવ્યા ત્યારે તેમણે સુબૈયાની બંને કહેવતોનો ખૂબ જ રસપ્રદ રીતે ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ હસતા હસતા સ્ટેજ પરથી કહ્યું, "અને સુબૈયાજીએ 'કામ બોલે છે' પણ કહ્યું... 'સુન રહે હો ના, વિનોદ', કામ બોલે છે." તેવું બોલતાની સાથે આખો સભાખંડ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો.