Sun Jul 05 2026

Logo

નેપિયન સી રોડ પરના ઘરમાં ગળું દબાવી પ્રૌઢાની હત્યા

2026-07-05 18:43:02
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નેપિયન સી રોડ પરના ઘરમાં ઘૂસી એકલી રહેતી પંચાવન વર્ષની પ્રૌઢાની ગળું દબાવી કથિત હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપી ઘરને બહારથી તાળું લગાવી ફરાર થઈ ગયો હતો. મલબાર હિલ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ જ્યોતિ પ્રકાશ પવાર તરીકે થઈ હતી. જ્યોતિનો મૃતદેહ શનિવારની બપોરે દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ પર આવેલા સિમલા નગર રહેવાસી સંઘમાંના ઘરમાંથી મળી આવ્યો હતો. 

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પતિના મૃત્યુ પછી જ્યોતિ એકલી રહેતી હતી અને આસપાસના પરિસરમાં ઘરકામ કરતી હતી. શુક્રવારે જ્યોતિ કામે ન જતાં માલકણે તેના મોબાઈલ ફોન પર વારંવાર કૉલ કર્યા હતા. જોકે જ્યોતિએ કૉલ રિસીવ ન કરતાં દહિસરમાં રહેતી તેની પરિણીત દીકરી એકતાને ફોન કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે એકતાએ પણ તેની માતાને કૉલ કર્યા હતા, પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. આખરે શનિવારની બપોરે એકતા માતાને ઘરે આવી હતી. ઘરના દરવાજાને બહારથી તાળું લગાવવામાં આવ્યું હતું, પરંતુ માતાનાં ચંપલ ઘરબહાર જ હતાં. શંકાને આધારે તાળું તોડવામાં આવતાં ઘરમાંથી જ્યોતિનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યોતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં ગળું દબાવીને જ્યોતિની હત્યા કરવામાં આવી હોવાનું જણાયું હતું. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.