Sat Aug 29 2026

Logo

ટ્રમ્પે મોતનો મલાજો પણ ન જાળવ્યો! કહ્યું, અમે ધારીએ તો ખામેનેઈની અંતિમ સંસ્કારમાં એક ઝાટકે બધાને ઉડાવી દઈએ' પણ....

Washington DC   2026-07-05 11:47:00
Author: Devayat Khatana
ટ્રમ્પે મોતનો મલાજો પણ ન જાળવ્યો! કહ્યું, અમે ધારીએ તો ખામેનેઈની અંતિમ સંસ્કારમાં એક ઝાટકે બધાને ઉડાવી દઈએ' પણ....

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈના અંતિમ સંસ્કારને લઈને એક વિવાદાસ્પદ અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ઈચ્છે તો એક જ હુમલામાં અંતિમ સંસ્કારમાં એકઠા થયેલા ઈરાનના બાકીના તમામ નેતૃત્વને ખતમ કરી શકે છે, પરંતુ તેઓ ઈરાન સાથે વાતચીત કરવા માંગતા હોવાથી આવું નહીં કરે. 

આ ઉપરાંત તેમણે મોતનો મલાજો પણ ન જાળવતા ખામેનેઈના જનાજામાં રડી રહેલા લોકોની મજાક ઉડાવતા તેમના આંસુઓને 'નકલી' ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 4 જુલાઈથી શરૂ થયેલા આ અંતિમ સંસ્કારના કાર્યક્રમો એવા સમયે યોજાઈ રહ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે શાંતિ કરાર મોટાભાગે અમલમાં છે.

અંતિમ સંસ્કારની પ્રક્રિયા વિશે વધુ વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનનું આખું નેતૃત્વ ત્યાં હાજર હશે, જો હું તેમને ખતમ કરી દઈશ તો પછી અમે વાત કોની સાથે કરીશું? લોકોના રડવા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મને લાગતું હતું કે લોકો ખામેનેઈને નફરત કરે છે, કદાચ આ નકલી આંસુ હોઈ શકે છે. ટ્રમ્પના આ નિવેદન પર આકરો પલટવાર કરતા આર્મેનિયા સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જવાબ આપ્યો હતો. ઈરાની દૂતાવાસે લખ્યું હતું કે ટ્રમ્પ આ બાબતોને સમજી શકતા નથી કારણ કે તમારી પાસે ન તો કોઈ સભ્યતા છે, ન ઈતિહાસ છે અને ન તો કોઈ સન્માન છે.

અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધ લડી ચૂકેલા ઈરાનને આ વિશાળ કાર્યક્રમ પર હુમલો થવાનો ડર સતાવી રહ્યો છે, કારણ કે આમાં કરોડો લોકો ઉમટી પડવાની સંભાવના છે. આશંકાઓને જોતા ઈરાનની ઈસ્લામિક સરકારે સત્તાવાર મીડિયા દ્વારા અમેરિકા અને ઈઝરાયેલને કડક ચેતવણી આપી છે. નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો દુશ્મનો દ્વારા આ કાર્યક્રમ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો ખૂબ જ આકરો અને જડબાતોડ જવાબ આપવામાં આવશે.