લોકલ ટ્રેનો અડધો કલાક મોડી, લોનાવલામાં મોસમનો સૌથી વધુ વરસાદ
મુંબઈઃ છેલ્લા પાંચ દિવસથી મુશળધાર વરસાદને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના જનજીવન પર મોટી અસર પડી છે. આજે રેડ એલર્ટ વચ્ચે પણ પડેલા ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ પર પાણી ફરી વળવાની સાથે વૃક્ષો ધરાશયી થવાની ઘટનામાં વધારો થયો હતા, જેમાં વધુ બે લોકોનાં ભોગ લેવાયા છે. વહેલી સવારથી અંધેરી, વિરાર, માટુંગા, પવઈ સહિત અનેક વિસ્તારો વરસાદી પાણીને કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે, જ્યાં ઠેરઠેર પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને અવરજવર કરવાનું મુશ્કેલ બન્યું હતું.
મુંબઈમાં સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં પૂર્વ ઉપનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે શહેર અને પરાના વિસ્તાર મળીને 250થી વધુ વૃક્ષ અને એની શાખાઓ તૂટી પડવાના બનાવ બન્યા હતા, જ્યારે જાનહાનિના સમાચાર છે.
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં વિક્રાંત સર્કલ પાસે એક વિશાળ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ૪ (ચાર) કાર દબાઈ ગઈ છે અને તેને ભારે નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. BMC અને પોલીસની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે. વધુ માહિતી માટે વીડિયો જુઓ. #Mumbai… pic.twitter.com/XEEjDx32qN
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 5, 2026
વૃક્ષ પડવાને કારણે બે જણનાં મોત
સવારથી બપોર વચ્ચે 50થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવવાની આગાહી વચ્ચે આજે પવનનું જોર વધ્યું હતું, જેમાં ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે વૃક્ષ પડવાની ઘટનામાં વધારો થયો છે. કુર્લામાં એક વૃદ્ધ અને એક યુવકનું વૃક્ષ પડતા મૃત્યુ થયું હતું. મુંબઈમાં વૃક્ષ પડવાને કારણે બે જણનાં મોત થયા હતા. એક કિસ્સો કુર્લામાં બન્યો હતો, જ્યારે બીજો આરે કોલોનીમાં.
63 વર્ષના વૃદ્ધ અને યુવક બન્યા શિકાર
કુર્લા પશ્ચિમમાં સરકારી સ્કૂલ નજીક વૃક્ષ ધરાશાયી થતા 63 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું જેમની ઓળખ યુનુસ કુંડવાલા તરીકે કરવામાં આવી છે, જ્યારે આરે કોલોનીમાં વૃક્ષ પડતા અઢાર વર્ષના યુવકનું મોત થયું હતું, જેની ઓળખ હસન રજા તરીકે કરી છે. શનિવારે બપોરે આરે કોલોનીના યુનિટ નંબર 13 ખાતે ચાલતી બાઈક પર અચાનક વૃક્ષ ધરાશયી થયું હતું, જેમાં યુવકનું મોત થયું હતું, જે સાકીનાકાનો રહેવાસી હતો. તેને ગંભીર ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલમાં સારવાર વખતે ડોક્ટર મૃત જાહેર કર્યો હતો. જોકે, આ બંને ઘટના પછી વિપક્ષે હવે પાલિકા પ્રશાસન પર નિશાન સાધ્યું હતું. મનસેએ પણ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.
Red Alert વચ્ચે વર્લી સી ફેસ પર પહોંચ્યા મુંબઈના મેયર, લોકોને દરિયાથી દૂર રહેવા કરી અપીલ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 4, 2026
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં IMD દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને તેજ પવનના કારણે વર્લી સી ફેસ પર દરિયાના મોજાં ઉછળતા જોવા મળ્યા હતા. તેમ છતાં અનેક લોકો દરિયાની મજા… pic.twitter.com/O3NhD3pHqq
ગટરમાં પડતા વૃદ્ધનું થયું હતું મોત
કુર્લામાં વૃદ્ધ શિકાર બન્યા પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમની ઓળખ યુનુસ કુંડાવાલા તરીકે કરી છે. ચોંકાવનારી વાત એ હતી કે ઘટનાસ્થળે બનાવ બન્યા પછી પાલિકાના કર્મચારીઓએ જગ્યા પરથી વૃક્ષને હટાવી લીધું હતું, જાણે કોઈ બનાવ બન્યો જ નથી. દરમિયાન સાકીનાકામાં પણ એક વૃદ્ધનું નાળામાં પડતા મૃત્યુ થયું હતું એના પછી આ બનાવમાં પણ પાલિકાની બેદરકારી મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવ્યા છે.
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મેટ્રો સેવા સામાન્ય કે પ્રભાવિત? જાણો | Mumbai metro
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 4, 2026
મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મુંબઈ મેટ્રો લાઇન 2A પર ટેકનિકલ ખામી સર્જાતા થોડા સમય માટે મેટ્રો સેવાઓ પ્રભાવિત થઈ હતી. મહા મુંબઈ મેટ્રોની ટેકનિકલ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના… pic.twitter.com/zRqVGmo7iA
લોકલ ટ્રેનની રફતારમાં 'બ્રેક' પણ
મુંબઈ સહિત મેટ્રો પોલિટન રિજનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનની રફતારમાં એકંદરે બ્રેક વાગી છે. લોકલ ટ્રેનો સવારથી અડધો કલાકની આસપાસ મોડી દોડી રહી છે, પરંતુ ચાલુ હોવાથી મુંબઈગરાએ રાહતનો શ્વાસ લીધો છે. પશ્ચિમ રેલવેમાં વસઈ-વિરાર, નાલાસોપારામાં મેઘતાંડવને કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે, પરંતુ વરસાદી પાણી ટ્રેક પર આવ્યું નથી. પશ્ચિમ રેલવેની સાથે મધ્ય રેલવેમાં હાર્બર લાઈન અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનો મોડી પણ ચાલુ હોવાનું રેલવેએ સોશિયલ મીડિયા પર અપડેટ આપ્યું હતું.
જળાશયોની આવકમાં વધારો
શનિવારે ચોથી જુલાઈથી રવિવારે સવારના વચ્ચે ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડનારા સાતેય જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. પાલિકાના અહેવાલ અનુસાર સાતેય જળાશયોમાં કુલ પાણીનો સ્ટોક 13.19 ટકા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 3.78 ટકાનો વધારો થયો છે.
મુંબઈના દાદર ફૂલ માર્કેટમાં વહેલી સવારે એક વિશાળ વૃક્ષ છત પર ધરાશાયી થયું. સદનસીબે રાત્રિના સમયને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જુઓ વૃક્ષ પડવાની ચોંકાવનારી ઘટના CCTV ફૂટેજમાં. #DadarFlowerMarket #MumbaiNews #TreeCollapse #CCTVFootage #MumbaiAccident #BreakingNews #Dadar #Mumbaikar… pic.twitter.com/i7r8xKgldX
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 4, 2026
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં રાહત
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદ પછી પાણીની ખેંચની સમસ્યામાં રાહત થઈ શકે છે. મુંબઈની સાથે નવી મુંબઈ, પાલઘર, થાણે, કોલ્હાપુર, રાયગઢ અને લોનાવલા સહિત અનેક જિલ્લામાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સાથે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી, જ્યારે અનેક જિલ્લામાં 24 કલાકમાં 100 મિલિમીટરથી 400 મિલિમીટર જેટલો વરસાદ ખાબક્યો હતો. નવી મુંબઈમાં ભારે વરસાદને કારણે તુર્ભે રેલવે સ્ટેશનના નીચે પાણી ભરાયું હતું, જેને કારણે પ્રવાસીઓને પરેશાની ભોગવવી પડી હતી. રાયગઢમાં વરસાદને કારણે અંબા નદીના જળસ્તરમાં વધારો થયો હતો.
મેયરનો સી ફેસ પરનો એક્શન મોડ, પોતાના વિસ્તારમાં દેખાશે? | Mumbai Mayor RituTawade
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 5, 2026
મુંબઈમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે મુંબઈના મેયર રિતુ તાવડે વર્લી સી ફેસ પર જઈને નાગરિકોને સલામતીનો પાઠ ભણાવી રહ્યા છે. મેયરનો આ સક્રિય અભિગમ પ્રશંસનીય છે, પરંતુ શું તેમના પોતાના વિસ્તારમાં… pic.twitter.com/w7KzWU3U5f
પર્યટન નગરીઓ મેઘરાજાની મહેર
મુંબઈ નજીકની પર્યટન સ્થળ લોનાવલા અને માથેરાનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. લોનાવલામાં 24 કલાકમાં 267 મિલિમીટર વરસાદ નોંધાયો હતો, જે સિઝનનો સૌથી વધુ વરસાદ છે. સમગ્ર વિસ્તાર પહાડો, ઝરણા હરિયાળા હોવાને કારણે લીલાછમ બની ગયા છે, જ્યાં કુદરતનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં લોનાવલા અને આસપાસના વિસ્તારોમાં 1,090 મિલિમીટર વરસાદ નોંધાયો છે, પરંતુ ગયા વર્ષે તો 2,392 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. જોકે ખેડૂતો માટે પણ વાવણી લાયક વરસાદ થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.