Sun Jul 05 2026

Logo

દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ વન પ્રધાન મોહનસિંહ રાઠવાનું નિધન, પરિવારમાં શોકનો માહોલ

2026-07-05 13:04:00
Author: Vimal Prajapati
Article Image

છોટા ઉદેપુરઃ ગુજરાતના રાજકારણમાં એક દુઃખની ઘડી આવી છે. આજે દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે. મોહનસિંહ રાઠવા છોટા ઉદેપુરના દિગ્ગજ આદિવાસી નેતા હતા. મળતી જાણકારી પ્રમાણે લાંબી બિમારી બાદ આજે તેમનું નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ બિમાર હતા, તેના કારણે તેઓ રાજનીતિથી દૂર હતા. લાંબી બિમારી બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. અત્યારે તેમના નિધનથી પરિવાર અને આદિવાસી સમાજમાં ભારે શોક છવાયો છે. 

10 વખત ધારાસભ્યની ચૂંટણી જીતીને એક રેકોર્ડ બનાવ્યો

કારકિર્દીની વાત કરવામાં આવે તો, મોહનસિંહ રાઠવાએ એક બે વખત નહીં પરંતુ 10 વખત ધારાસભ્યની ચૂંટણી જીતીને એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. મોહનસિંહ રાઠવા જમીન સાથે જોડાયેલા નેતા હતા, આદિવાસીઓના હકો માટે તેમણે ઘણાં પ્રયત્નો કર્યાં છે. વર્ષ 1972 માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. તે પછી છોટાઉદેપુર અને જેતપુર બેઠક પરથી તેઓ સતત ચૂંટણીઓ જીતતા રહ્યા હતા. કુલ 10 વખત તેમણે ધારાસભ્યની ચૂંટણી જીતી હતી. આટલી મોટી સંખ્યામાં ચૂંટણી જીતવાનો રેકોર્ડ ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં બહુ ઓછા રાજનેતાઓના નામે છે. 

એક સમયે કોંગ્રેસના વફાદાર નેતા કહેવાતા

મોહનસિંહ રાઠવાએ વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને લોકોની સેવા કરી હતી. એક સમયે મોહનસિંહ રાઠવાને કોંગ્રેસના વફાદાર અને મજૂબત નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ બાદમાં છેલ્લા 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસનો હાથ છોડી દીધો અને ભાજપમાં સામેલ થઈ કેસરિયો ધારણ કરી લીધો હતો. 

2022ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, ભાજપમાં આવ્યાં બાદ પણ તેઓ આ બેઠક પછી ચૂંટણી લડ્યા નહોતા. 2022માં છોટા ઉદેપુર બેઠક પરથી ભાજપે મોહનસિંહ રાઠવાના દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાએ ટિકિટ આપી હતી. જેમાં રાજેન્દ્રસિંહની જીત પણ થઈ હતી. આ જ બેઠક પરથી મોહનસિંહ યાદવ 10 વખત ધારાસભ્યની ચૂંટણી જીત્યાં હતાં.