અમદાવાદઃ વરસાદે સૌરાષ્ટ્રને ત્રણ દિવસથી ધમરોળ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને ઘણા ગામડાઓ સંપર્કવિહોણા બની ગયા છે. આવા સમયે સ્થાનિક તંત્ર અને સુરક્ષા જવાનોની જવાબદારી વધી જાય છે. સૌરાષ્ટ્રના માંગરોળ, કેશોદ, રાજુલાની જેમ ગીર સોમનાથ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ગાંગડા ગામે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં વહીવટી તંત્ર દ્વારા આશરે ૨૫૦ જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ગાંગડા ગામે રાતના આશરે ૧:૦૦ કલાકે ભારે વરસાદના કારણે ગામની નજીક આવેલ રૂપેણ નદીનો પાળો તૂટી ગયો હતો. આ પાળો તૂટવાના કારણે રૂપેણ નદીનું પાણી ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તથા ઊંટવાળા રોડ વિસ્તારમાં ઘૂસી ગયું હતું. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આશરે ૨૫૦ જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ તેમજ એસ.ડી.આર.એફની ટીમ દ્વારા સંયુકત રીતે ગાંગડા પ્રાથમિક શાળા તેમજ બાપાસિતારામ આશ્રમ ખાતે રેસક્યૂની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમના ભોજન તેમ જ આરામની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આવી જ રીતે ઉના તાલુકાના સુલતાનપુર ગામે અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. પાણી ભરાવાના કારણે ઘરમાં ફસાયેલા ૪ લોકોનું વહીવટી તંત્ર અને એસ.ડી.આર.એફની ટીમ દ્વારા રેસક્યૂ કરવામાં આવ્યું હતું. તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરી અને પ્રાથમિક શાળા-સુલતાનપુર ખાતે શિફટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને રહેવાની અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો બીજી બાજુ ભારે વરસાદ અને પવનના પરિણામે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે ઉના તાલુકાના સૈયદ રાજપરામાં લાંગરેલી ૫ થી ૬ બોટ અને ૨-૩ નાની હોડીઓ સમુદ્રમાં તણાઇ હતી.

તણાઈ ગયેલી બોટમાંથી એક બોટમાં ૪ માછીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બોટ-હોડીના રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડના જવાનો સૈયદ રાજપરા ખાતે રવાના થયા હતાં. કોસ્ટગાર્ડ દ્વારા નવાબંદર ખાતે કમલેશ જીલુભાઇ બારૈયા, નરશી બચુભાઇ બાંભણીયા, રવજી બાબુભાઇ શિયાળ તથા રામજી બાબુભાઇ શિયાળને સહી સલામત રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યાં હતાં.