Sun Jul 05 2026

Logo

વરસાદી પાણીને ચીરીને વાયુવેગે દોડી વંદે ભારત એક્સપ્રેસ, જુઓ વાયરલ વીડિયો

2026-07-05 18:13:11
Author: Mumbai Samachar Team
Article Image

આધુનિક ટેક્નોલોજીની પ્રશંસા સાથે મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઊઠ્યાં ગંભીર સવાલો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ભારે વરસાદને કારણે મુંબઈના જનજીવન પર અસર પડી છે, ત્યારે રાહતની વાત એ છે કે મુંબઈમાં આ વખતે લોકલ ટ્રેનની રફતાર ક્યાંય અટકી નથી કે બંધ પડી નથી, પરંતુ વંદે ભારત ટ્રેનની સુપરફાસ્ટ ઝડપથી પસાર થતો નજારો જોઈને લોકો દંગ થઈ ગયા હતા, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

ટ્રેકનું પાણી છેક પુલ પર પહોંચ્યું
કાંજુરમાર્ગ રેલવે સ્ટેશનથી પસાર થતી વખતે ટ્રેક પર વરસાદી પાણીમાંથી વંદે ભારત વાયુવેગે પસાર થઈ હતી, જેના પાણીના મોજો લગભગ 20થી 25 ફૂટ ઊંચા હવામાં ઉછળ્યા હતા, જેનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કાંજુરમાર્ગથી પૂરપાટ વેગે પસાર થતી વખતે રેલવે ટ્રેક પરના ઓવરબ્રિજ ઉપર સુધી પાણી ઉડ્યું હતું. 

પાટા પર આટલું પાણી ક્યાંથી આવ્યું
વીડિયોમાં જોવા મળે છે કે રેલવે ટ્રેક પાણીથી ભરાયેલો છે, ત્યારે ત્યાંથી ઝડપથી ટ્રેન પસાર થઈ રહી છે. ટ્રેન જાણે નદીમાંથી પસાર થઈ રહી હોવાનું લોકોને લાગ્યું હતું. ટ્રેનની રફતાર અને બેલેન્સને જોઈને લોકો દંગ રહી ગયા હતા, જ્યારે રેલવેની આધુનિક ટેક્નોલોજીનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું, જ્યારે લોકોએ કહ્યું હતું કે રેલવે ટ્રેક પર આટલું બધું પાણી આવ્યું ક્યાંથી?

લોકો પાઈલટની લોકોએ કરી પ્રશંસા
વાયરલ વીડિયોમાં મોન્સૂનના નજારાની સાથે ભારતીય રેલવેની સેમી હાઈ સ્પીડ ટ્રેનની રફતાર પણ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે થાણે, મુલુંડ, ઘાટકોપર, કુર્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે રેલવે ટ્રેક પર પાણી ભરાયા હતા, ત્યારે ત્યાંથી વંદે ભારત એક્સપ્રેસ વિના અવરોધ નોન-સ્ટોપ પસાર થઈ ત્યારે પાણીની ચીરતી આગળ નીકળી ગઈ હતી. લોકોએ તો ટ્રેનના લોકો પાઈલટની પ્રશંસા કરી હતી, જ્યારે અમુક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. 

ટ્રેક પર પાણી ભરાવવાનું જોખમી
સોશિયલ મીડિયા પર લોકોએ ગંભીર સવાલ ઊભો કરતા લખ્યું હતું કે વંદે ભારતના લોકો પાઈલટે તો પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે, પરંતુ અમુક લોકોએ રેલવે ટ્રેક પર આટલું પાણી જમા હોવાની બાબતને જોખમી ગણાવી હતી. યૂઝર્સે લખ્યું હતું કે રેલવે ટ્રેક પર આટલું પાણી જમા થવાની બાબત ગંભીર છે.

મુંબઈના ચોમાસાની વાસ્તવિકતા
વીડિયો અંગે રેલવેના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે આ એક ટ્રેન નથી, પરંતુ મુંબઈના ચોમાસાની વાસ્તવિકતા પણ દર્શાવે છે. એક બાજુ વંદે ભારત એક્સપ્રેસ મુશ્કેલ હાલાતમાં આગળ વધે છે, જ્યારે મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ નવી ચર્ચા શરુ થઈ છે. મુંબઈમાં લોકલ અથવા લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન તો નિયમિત રીતે દોડાવાય છે, પરંતુ મુંબઈગરાના ઉજ્જવળ ભવિષ્ય અને પરિવહન માટે શ્રેષ્ઠ ડ્રેનેજ સિસ્ટમ અને રેલવે સુરક્ષા પર ધ્યાન આપવાનું જરુરી છે.