થાણે: વિદેશી વેપારી જહાજો પર નોકરી અપાવવાની લાલચે 17 યુવાનો પાસેથી 41.75 લાખ રૂપિયા કથિત રીતે પડાવનારા બે આરોપીની નવી મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા બન્ને મુખ્ય આરોપીની ઓળખ મોહમ્મદ ગુફરાન બશીર કાઝી (27) અને યોગેશ નાથાજી કાળે (35) તરીકે થઈ હતી. ઉલવેના રહેવાસી કાઝી અને નેરુળના કાળે સહિત 12 જણ વિરુદ્ધ તુર્ભે પોલીસે ગુનો નોંધ્યો હતો. બન્ને આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટને વિદેશી વેપારી જહાજો પર નોકરીની લાલચે છ યુવાન સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી હતી. આરોપીઓ નવી મુંબઈના નેરુળ ખાતે આવેલા એક મૉલમાંથી બોગસ કંપની ચલાવતા હતા. તેમની કંપની ડિરેક્ટર જનરલ ઑફ શિપિંગ સાથે આરપીએસએલ (રિક્રુટમેન્ટ ઍન્ડ પ્લેસમેન્ટ સર્વિસીસ લાઈસન્સ) રજિસ્ટર્ડ હોવાનો ખોટો દાવો આરોપી કરતા હતા.
આરોપીઓ આકર્ષક જાહેરખબર ફરતી કરીને યુવાનોને લલચાવતા હતા. સંપર્ક સાધનારા યુવાનોને ઊંચા પગારનનાં સપનાં દેખાડતાં. લાલચમાં આવી ફરિયાદી અને અન્ય 16 જણે આરોપીને 41,75,000 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તેમને કોઈ નોકરી મળી નહોતી. આરોપીઓએ અન્ય યુવાનોને પણ છેતર્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. (પીટીઆઈ)