Thu Sep 03 2026

Logo

માંગરોળમાં જળપ્રલય: 3 દિવસમાં 40 ઈંચ વરસાદથી અનેક માર્ગો ધોવાયા, ખેતરોમાં પથ્થરો દેખાવા લાગ્યા

2026-07-05 10:21:00
Author: Devayat Khatana
માંગરોળમાં જળપ્રલય: 3 દિવસમાં 40 ઈંચ વરસાદથી અનેક માર્ગો ધોવાયા, ખેતરોમાં પથ્થરો દેખાવા લાગ્યા

અમદાવાદ: ગુજરાતમાં આજે પણ મેઘરાજાનું હેત વરસી રહ્યું છે. સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલામાં પડ્યો હતો, જ્યાં આ બે કલાકમાં જ 2.01 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે મહુવામાં 1.30 ઇંચ વરસાદ ખબક્યો છે.  રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલામાં પડ્યો હતો, જ્યાં આ બે કલાકમાં જ 2.01 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે મહુવામાં 1.30 ઇંચ વરસાદ ખબક્યો છે. જ્યારે રાજકોટના ગોંડલ અને અમરેલીના વડીયા-કુંકાવાવમાં 0.94 ઇંચ, કોટડા સાંગાણી અને જાફરાબાદમાં 0.75 ઇંચ, ઉનામાં 0.63 ઇંચ, કોડીનારમાં 0.55 ઇંચ, ગારિયાધારમાં 0.51 ઇંચ વરસાદ પડ્યો પડ્યો છે. 

છેલ્લા બે દિવસોમાં જૂનાગઢ જિલ્લાનો માંગરોળ તાલુકો ભારે વરસાદની સ્થિતિથી ખૂબ જ પ્રભાવિત થયો છે. માંગરોળમાં સતત બે દિવસ સુધી સર્જાયેલા મેઘતાંડવથી નદી કાંઠાના ગામોમાં ખેતીની જમીનનું ભારે ધોવાણ થયું છે. તો વરસાદે વિરામ લીધા બાદ પણ હાઈવે પરથી ભારે માત્રામાં પાણી વહ્યા હતા. ગાંડીતુર થયેલી નદીના પાણીના પ્રચંડ વેગથી નજીકના હુસેનાબાદ ગામે આવેલો પુલનો કેટલોક ભાગ ધોવાયો હતો. જેનું તાત્કાલિક સમારકામ શરૂ કરી દેવાયા બાદ સોમનાથ દ્વારકા હાઇવેનો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં ૪૦ ઈંચથી વધુ પડેલા વરસાદે પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. નોળી નદીમાં પાણીની ભરપુર આવકથી નજીકના હુસેનાબાદ ગામે આવેલો પુલનો ભાગ ધોવાઈ ગયો હતો. પાણીના પ્રચંડ વેગે સાઈડની રેલીંગો ઉખાડીને દુર સુધી ફેંકી દીધી હતી અને ડામરનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળ્યા હોય તેવા ઢેલાણા, ગોરેજ, સુલતાનપુર, રૂદલપુર, વલ્લભગઢ, માનખેત્રા, શેપા, હુસેનાબાદ ઉપરાંત નદી કાંઠાના ગામોમાં ખેતીની જમીનમાંથી માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હોવાના અહેવાલ મળ્યા છે.

ખેડુતોના જણાવ્યા મુજબ અમુક જગ્યાએ તો જમીનમાં પથ્થરો દેખાઈ રહ્યા છે. વાવેતર પણ થઈ શકે તેવી સ્થિતિ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ગૌશાળામાં પાણી ફરી વળતા અબોલ પશુઓનો ચારો પલળી ગયો છે. ગોરેજ અને સુલતાનપુરને જોડતો ભોયવાવની બાજુમાં 100 મીટર રસ્તાનું ભયંકર ધોવાણ થતા લોકોની મુશ્કેલી વધી છે.