ફિલાડેલ્ફીયા/હ્યુસ્ટન: 23મા ફિફા (Fifa) વર્લ્ડ કપમાં હવે આઠ ટીમવાળા ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે. ભૂતપૂર્વ ચેમ્પિયન અને 2022નું રનર-અપ ફ્રાન્સ (France) શનિવારે રાત્રે અત્યંત રોમાંચક મુકાબલામાં પૅરાગ્વેને 1-0થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલ (Quarter Final)માં પહોંચી ગયું હતું. એ પહેલાં, કૅનેડા આ વર્લ્ડ કપની બહાર થનાર ત્રણમાંથી પ્રથમ યજમાન દેશ બન્યો હતો. એને 3-0થી હરાવીને મોરોક્કોએ ક્વૉર્ટરમાં પ્રવેશ કર્યો હતો.
મુખ્ય યજમાન અમેરિકા અને મેક્સિકોએ હજી પ્રી-કવૉર્ટર ફાઈનલમાં રમવાનું બાકી છે. મેક્સિકો હવે ઇંગ્લૅન્ડ સામે રમશે અને અમેરિકાનો મુકાબલો બેલ્જિયમ સામે થશે.
ફિલાડેલ્ફીયાની અસહ્ય ગરમીમાં ફ્રાન્સે પૅરાગ્વેને ભારે રસાકસી વચ્ચે 1-0થી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત ચોથી વખત ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
70મી મિનિટમાં પૅરાગ્વેની ટીમના એક ખેલાડીના ફાઉલને કારણે ફ્રાન્સને પેનલ્ટી કિક મળી હતી ઍમ્બપ્પેએ એમાં ગોલ કરીને ફ્રાન્સને 1-0થી સરસાઈ અપાવી હતી. એ એકમાત્ર ગોલ સિવાય આખી મૅચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે વારંવાર અથડામણ થઈ હતી અને એ ઘર્ષણ વચ્ચે બંને ટીમમાંથી કોઈને પણ ગોલ નહોતો કરવા મળ્યો અને ફ્રાન્સે 1-0 સાથે જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ફ્રાન્સ આ પહેલાં 2014, 2018 અને 2022માં પણ ક્વૉર્ટરમાં પહોંચવામાં સફળ થયું હતું.
મોરક્કો કવૉર્ટરમાં જનાર પ્રથમ દેશ
મોરોક્કો શનિવારે રાત્રે યજમાન કૅનેડાને 3-0થી હરાવીને ક્વૉર્ટરમાં જનાર આ વખતનો પ્રથમ દેશ બન્યો હતો. અઝેદ્દીન ઑનાહીએ 50મી અને 82મી મિનિટમાં ગોલ કર્યો હતો. મોરોક્કોનો ત્રીજો ગોલ રહિમીએ 98મી મિનિટમાં કર્યો હતો.
મોરોક્કો પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર્ર
મોરક્કો સતત બીજા ફિફા વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત બે સીઝનમાં ક્વૉર્ટરમાં પહોંચનાર મોરોક્કો પ્રથમ આફ્રિકન દેશ બન્યો છે.
વર્લ્ડ કપની બાકીની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ
બ્રાઝિલ વિ. નોર્વે (આજે મધરાત બાદ 1.30)
મેક્સિકો વિ. ઇંગ્લૅન્ડ (સોમવારે સવારે 5.30)
પોર્ટુગલ વિ. સ્પેન (સોમવારે મધરાત બાદ 12.30)
અમેરિકા વિ. બેલ્જિયમ (મંગળવારે સવારે 5.30)
આર્જેન્ટિના વિ. ઇજિપ્ત (મંગળવારે રાત્રે 9.30)
સ્વિટ્ઝરલૅન્ડ વિ. કોલમ્બિયા (મંગળવારે મધરાત બાદ 1.30)
(નોંધઃ કૅનેડા-મોરોક્કો મૅચ શનિવારે રાત્રે અને ફ્રાન્સ-પૅરાગ્વે મૅચ રવિવારે મળસ્કે રમાઈ ગઈ)