Sun Jul 05 2026

Logo

ગુજરાત માટે મોટા સમાચાર! બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે? રેલવે પ્રધાને આપી અપડેટ

2026-07-05 10:02:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ગઇકાલ અમદાવાદની મુલાકાત પર હતા અને આ દરમિયાન મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ 2027 માં શરૂ કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે આ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું લગભગ 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો આ ઉદ્ઘાટન તબક્કો સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ કરવામાં આવશે.

રેલવે પ્રધાન સાણંદ ખાતે સીજી સેમીની OSAT ફેસિલિટીમાં કોમર્શિયલ પ્રોડક્શનના પ્રારંભ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે શહેરમાં ચાલી રહેલા વિવિધ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ કરી હતી. બુલેટ ટ્રેનના આગામી તબક્કાઓ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે સુરત-બીલીમોરા બાદ વાપી-સુરત સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારબાદ અમદાવાદ-થાણે અને છેલ્લે અમદાવાદ-મુંબઈ સુધીના સંપૂર્ણ રૂટને શરૂ કરવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પર જનપ્રતિનિધિઓ અને વિવિધ પ્રતિનિધિમંડળો સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રેલવે પ્રધાને શહેરી પરિવહનને સરળ બનાવવા અને રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા પાંચ પ્રાથમિક કામો નક્કી કર્યા હતા. આ અંતર્ગત અધિકારીઓને નવરાત્રી પહેલા ઓમનગર અંડરપાસનું કામ પૂર્ણ કરવા કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિસ્તારના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને અસારવા સ્ટેશન અને તેના ટર્મિનલને આધુનિક બનાવવા તૈયાર કરાયેલા માસ્ટર પ્લાનની વિગતો પણ પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમાં મુસાફરોની સુવિધા વધારવા અને DRM  ઓફિસ સહિતની આસપાસની જગ્યાઓના પુનર્વિકાસનો સમાવેશ થાય છે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના ચાલી રહેલા પુનર્વિકાસના ભાગરૂપે મુસાફરોની સુવિધા વધારવા અને ભવિષ્યના ટ્રાફિકને પહોંચી વળવા સારંગપુર તરફથી રોડ કનેક્ટિવિટી સાથે બીજો એન્ટ્રી ગેટ બનાવવા સત્તાધીશોએ હા ભણી હતી.  આ ઉપરાંત, સાબરમતી રેલવે સ્ટેશન સુધીની પહોંચ સરળ બનાવવા સ્ટેશન રોડના વિસ્તરણ અને વિકાસ માટે એક સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. જ્યારે બીજી તરફ, શાહપુર-અમદાવાદ ફ્લાયઓવરનું કામ ભારતીય પુરાતત્વ વિભાગ અને રાષ્ટ્રીય સ્મારક સુરક્ષા નિયમો હેઠળ કેન્દ્રીય સ્તરની મંજૂરીઓ મળ્યા બાદ જ આગળ વધારવામાં આવશે.