નવી દિલ્હી: આજે ભારત સરકાર કે રાજ્ય સરકારની કોઈપણ યોજના કે પુરાવા માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. જો કે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં 27 લોકો સામે ભારત અને નેપાળ બંને દેશોના નાગરિકત્વ અને ઓળખ દસ્તાવેજો રાખવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિઓ પર સરકારી યોજનાઓનો લાભ લેવાનો પણ આરોપ છે.
આ અંગે જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટની ફરિયાદ બાદ આ મામલાની તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી તપાસ અહેવાલના આધારે કરવામાં આવી હતી, જે જિલ્લા મેજિસ્ટ્રેટના પત્ર પર આધારિત હતી.
તપાસમાં એ જાણવા મળ્યું હતું કે નેપાળના ડાંગ જિલ્લાના રહેવાસી અમુક લોકોએ પોતે બલરામપુરના બાલાપુર, તુલસીપુર અને શિતલાપુર રિજવાન ગલીના હોવાનું કહીને આધાર કાર્ડ, મતદાર કાર્ડ સહિત જુદા જુદા ભારતીય દસ્તાવેજો બનાવીને સરકારી યોજનાઓઓ પણ લાભ ઉઠાવ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમના નામ ભારતીય મતદાર યાદી અને નેપાળ મતદાર યાદી બંનેમાં મળી આવ્યા હતા. તપાસ દરમિયાન, એ પણ બહાર આવ્યું કે યાદીમાં સામેલ કલ્લુનો પુત્ર અબ્દુલ રહેમાન અનવર્દીહના બાલાપુર ગામમાં રહેતો નથી, જ્યારે અબ્દુલ અઝીઝ સિદ્દીકીનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું. તેમ છતાં, તેમના નામ ઘણા રેકોર્ડમાં મળી આવ્યા હતા. આથી આ મામલો વધુ ગૂંચવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સંડોવાયેલા વ્યક્તિઓ નેપાળ અને ભારત બંનેમાં મતદાર યાદીમાં નોંધાયેલા છે. વધુમાં, એવું પણ બહાર આવ્યું છે કે તેઓએ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ કેસમાં ઓળખ છુપાવવા, ભારતીય દસ્તાવેજોનો દુરુપયોગ અને સરકારી રેકોર્ડમાં ખોટી માહિતી નોંધાવવાનો સમાવેશ થાય છે. પોલીસે હાલ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.