Sun Jul 05 2026

Logo

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ગેસ સપ્લાય પરથી ઈમરજન્સી નિયંત્રણો હટાવ્યા, જાણો નવા નિયમ..

2026-07-05 12:14:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામ થતાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી દરિયાઈ જહાજોની અવરજવર ફરી સામાન્ય થતાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે દેશમાં ઈમરજન્સી ગેસ સપ્લાયના નિયમોમાં ફેરફાર કરીને અગાઉ લાદવામાં આવેલા તમામ વિશેષ નિયંત્રણો હટાવી દીધા છે.

હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતાં ઊભું થયું હતું સંકટ

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ શરૂ થવાને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થઈ ગઈ હતી. આ વૈશ્વિક તણાવને લીધે ભારતમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ હતી અને વિદેશી કંપનીઓએ પણ ગેસ આપવાનો ઈનકાર કરી દીધો હતો. દેશમાં ડોમેસ્ટિક રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારે 9 માર્ચ 2026 ના રોજ 'નેચરલ ગેસ ઓર્ડર' લાગુ કર્યો હતો. આ અંતર્ગત LPG, LNG અને રી-ગેસિફાઇડ LNG ના વિતરણ અને ઉપયોગ પર સરકારી નિયંત્રણ લાદવામાં આવ્યું હતું જેથી વીજળી, ખાતર અને અન્ય કટોકટીના ક્ષેત્રોને પૂરતો ગેસ મળી રહે.

પેટ્રોલિયમ મંત્રાલયે ૪ જુલાઈએ જાહેર કર્યો નવો આદેશ

હવે પરિસ્થિતિ થાળે પડતાં, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે 4 જુલાઈએ એક નવો સત્તાવાર આદેશ જાહેર કરીને ગેસના ઉત્પાદન અને વિતરણ પરનો સરકારી કંટ્રોલ હટાવી દીધો છે. હવે તમામ સેક્ટર્સને ગેસ મળશે. માર્ચ 2026માં માત્ર કટોકટીના અને જરૂરી ક્ષેત્રોને જ પ્રાથમિકતા અપાતી હતી, પરંતુ હવે તમામ ક્ષેત્રોને સમાન રીતે ગેસ ઉપલબ્ધ કરાશે. નેચરલ ગેસના સપ્લાય, વિતરણ અને વપરાશ પર લાદવામાં આવેલા કડક નિયમો હવે નાબૂદ કરવામાં આવ્યા છે.

 

હજી પણ કેન્દ્ર સરકાર રાખશે કડક નજર 

ભલે સરકારે સપ્લાયને પહેલાની જેમ મુક્ત કરી દીધી છે, પરંતુ નવા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર ગેસ સપ્લાયની સ્થિતિ પર સતત નજર રાખશે. જો ભવિષ્યમાં ફરી ક્યારેય આવું વૈશ્વિક સંકટ ઊભું થશે, તો આનાથી પણ વધુ કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. સરકાર દ્વારા દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ નેચરલ ગેસ અને એલપીજીનો ઉપયોગ સમજી-વિચારીને કરે અને તેનો બગાડ અટકાવે. જેથી આગામી સમયમાં જો આવી સ્થિતિ સર્જાય તો આપણે તેને સંભાળી શકીએ.