Mon Oct 05 2026

Logo

ફ્રાન્સ-પૅરાગ્વે મૅચમાં ખેલાડીઓ મારામારી પર ઊતરી પડ્યા

Philadelphia   2026-07-05 14:05:03
Author: Ajay Motiwala
ફ્રાન્સ-પૅરાગ્વે મૅચમાં ખેલાડીઓ મારામારી પર ઊતરી પડ્યા

AP


હરીફોએ એમ્બપ્પેને ટાર્ગેટ બનાવ્યો: પૅરાગ્વેના ગોલકીપરે બૉલ માર્યો

ફિલાડેલ્ફીયા: ભારતીય સમય અનુસાર અહીં રવિવારે વહેલી સવારે 110 ફેરનહીટ (43 ડિગ્રી સેલ્સિયસ) તાપમાન વચ્ચે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ અને પૅરાગ્વે વચ્ચેની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ટીમના ખેલાડીઓ મારામારી પર ઊતરી પડ્યા હતા. પૅરાગ્વેના ખેલાડીઓએ ખાસ કરીને ફ્રાન્સના સુપરસ્ટાર કીલિયાન ઍમ્બપ્પેને લક્ષ્યાંક બનાવ્યો હતો. આ પરિસ્થિતિમાં યુરોપના ફ્રાન્સ અને દક્ષિણ અમેરિકાના પૅરાગ્વે વચ્ચેની આ મૅચ વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી વધુ વિવાદાસ્પદ મૅચોમાંથી એક બની ગઈ હતી.

અસહ્ય ગરમી વચ્ચે ખેલાડીઓમાં ગરમાગરમી

આ મૅચમાં એકમાત્ર ગોલ થયો હતો. પેનલ્ટી બોક્સમાં પેરાગ્વેના ખેલાડીના ગંભીર ફાઉલને કારણે ફ્રાન્સને પેનલ્ટી કિક મળી હતી. 70મી મિનિટની એ કિકના ગોલથી ઍમ્બપ્પેએ ફ્રાન્સને 1-0થી જિતાડ્યું હતું. અસહ્ય ગરમી વચ્ચે આ મૅચમાં હરીફ ખેલાડીઓ વચ્ચે જે ગરમાગરમી થઈ હતી એ જોતાં ફ્રાન્સે એના ફૂટબૉલ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી કઠિન પરીક્ષા પાસ કરી હતી.

ફ્રાન્સે વિજય મેળવ્યો ત્યાર પછી પૅરાગ્વેના ગોલકીપર ઓર્લાન્ડો ગિલે ખેલદિલી બતાવીને ઍમ્બપ્પે સાથે શેકહૅન્ડ માટે હાથ આગળ કર્યો હતો, પરંતુ ઍમ્બપ્પેએ તેને અવગણ્યો હતો જે ગિલને ન ગમ્યું અને જતી વખતે હળવેકથી ઍમ્બેપ્પેની પીઠ પર બૉલ માર્યો હતો.

ઍમ્બેપ્પેએ મૅચ પછી શું કહ્યું?

પૅરાગ્વેના આન્દ્રેસ કયૂબાસ અને ફ્રાન્સના ઍમ્બપ્પે વચ્ચે એક તબક્કે ઘર્ષણ થયું હતું. બંને ખેલાડીએ એકબીજાને ધક્કે ચડાવ્યા હતા. પેનલ્ટી કિકથી ગોલ થતાં મામલો વધુ ગંભીર થયો હતો. પૅરાગ્વે (Paraguay)ના મૅટિયાસ ગલાર્ઝાએ જમણી કોણી મારીને એમ્બપ્પેને નીચે પાડ્યો હતો. વધુ એક ઘટનામાં બંને ટીમના ખેલાડીઓએ એકબીજાને પુશ કર્યા હતા.

મૅચ બાદ પૅરાગ્વેના ખેલાડીઓના ગેરવર્તન વિશે પૂછવામાં આવતાં કીલિયાન ઍમ્બપ્પે (Mbappe)એ કહ્યું, ‘અમે જાણતા જ હતા કે અમારે કેવા પ્રકારની કઠિન અને વિવાદાસ્પદ થઈ શકે એવી મૅચમાં રમવાનું છે.  ડર્ટી મૅચમાં પણ કેવી રીતે રમવું અને જીતવું એ અમે સારી રીતે જાણીએ છીએ.'