Mon Jul 06 2026

Logo

મુંબઈમાં મોટી દુર્ઘટનાઃ માનખુર્દમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, 6 લોકોનાં મોત

2026-07-06 00:13:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ છેલ્લા પાંચ દિવસથી અવિરત પડી રહેલો વરસાદ મુંબઈ માટે આ વખતે એક પછી એક નવી આફતનું નિર્માણ થઈ રહ્યું છે. વૃક્ષ ધરાશયી થવાના બનાવમાં એક વૃદ્ધ અને યુવકના મોતના સમાચાર વચ્ચે બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં છ લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે.

અધિકારીએ કહ્યું હતું કે ભારે વરસાદ વચ્ચે માનખુર્દમાં આજે રાતના એક બહુમાળી ઈમારત ધરાશયી થવામાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ બનાવ રાતના 8.30 વાગ્યાના સુમારે બન્યો હતો. જનતાનગર સ્થિત હનુમાન મંદિરના પાછળની ચાલમાં પાંચ નંબરમાં દુર્ઘટના ઘટી. ઈમારત ધરાશયી થવાની ઘટનામાં છ લોકોનાં મોત થયા છે, જેમાં ચાર મહિલા સહિત અન્ય લોકોનો સમાવેશ થાય છે.

ભારે વરસાદ વચ્ચે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારતનો અમુક હિસ્સો ધરાશયી થયો હતો. આ બનાવ પછી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી માટે બીએમસીના કર્મચારીઓની સાથે ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સની ટીમ પહોંચી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પીડિતોની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે, જ્યારે હજુ પણ કેટલા લોકો દટાયેલા છે એનો ચોક્કસ આંકડો મળ્યો નથી.

પ્રાથમિક માહિતી અનુસાર ગ્રાઉન્ડ પ્લસ સહિત ત્રણ માળની બિલ્ડિંગમાં બે-ત્રણ રુમ અચાનક ધસી પડ્યા હતા, એના પછી ફાયર બ્રિગેડ, પોલીસ, બીએમસીના કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી. આ બિલ્ડિંગ જૂની હોવાનું લાગે છે. અહીં એ જણાવવાનું કે મુંબઈ સહિત રિજનમાં મોડે મોડે ચોમાસું બેઠું છે, પરંતુ પાંચ દિવસના પડેલા મુશળધાર વરસાદને કારણે ઠેરઠેર અણધારી દુઘટનાઓ ઘટી રહી છે, જેમાં આવતીકાલે સ્કૂલ અને કોલેજમાં પણ સુરક્ષાના કારણોસર વહીવટી પ્રશાસને રજા જાહેર કરી છે.