Fri Sep 04 2026

Logo

દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને પીએમ મોદી 17 જુલાઇએ લોકાર્પિત કરશે, જાણો વિશેષતાઓ

2026-07-05 22:54:47
Author: Chandrakant Kanoja
દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને પીએમ મોદી 17 જુલાઇએ લોકાર્પિત કરશે, જાણો વિશેષતાઓ

નવી દિલ્હી : દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જુલાઇના રોજ હરિયાણાના જીંદથી લોકાર્પણ કરશે. આ ટ્રેનને  સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. જે ભારતીય રેલ્વેની આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

આ અંગે કેબિનેટ મંત્રી કૃષ્ણ બેદીએ જણાવ્યું હતું કે, પીએમ મોદી 17 જુલાઈએ જીંદ પહોંચશે. તેઓ હાઇડ્રોજન ટ્રેનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે અને દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જનતાને સમર્પિત કરશે. 

હરિયાણાના મુખ્યમંત્રી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે 

આ પૂર્વે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે સોમવારે જીંદની મુલાકાત લેશે. હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખ ડૉ. અર્ચના ગુપ્તા પણ તેમની સાથે જીંદ પહોંચશે.

ટ્રેન-સેટમાં બે 1200  kW ડ્રાઇવિંગ પાવર કાર

જે  બ્રોડગેજ પર વિશ્વની સૌથી લાંબી 10 કોચ વાળી હાઇડ્રોજન ટ્રેન છે. 
આ ટ્રેન-સેટમાં બે 1200  kW ડ્રાઇવિંગ પાવર કાર છે. જેમાં  હાઇડ્રોજન સ્ટોરેજ સિલિન્ડરો, ફ્યુઅલ સેલ સિસ્ટમ, બેટરીઓ અને કંટ્રોલ સિસ્ટમ માટે અલગ અલગ  કોચમાં  જગ્યાઓ ફાળવવામાં આવી છે.

ટ્રાયલ સ્પીડ 120  કિમી/કલાક

તેની રેન્જ અને સ્પીડની વાત કરીએ તો  એક જ રિફ્યુઅલિંગ પર તેની રેન્જ આશરે 250  કિમી છે. તેની ટ્રાયલ સ્પીડ 120  કિમી/કલાક પર સેટ કરવામાં આવી છે. તેમજ  તેની કોમર્શિયલ ઓપરેશનલ સ્પીડ 75  કિમી/કલાક છે.

ટ્રેનની સલામતી વધારવા 27  હાઇડ્રોજન સિલિન્ડર 

આ ટ્રેનની સલામતી વધારવા માટે આગળના ભાગમાં આશરે 27  હાઇડ્રોજન સિલિન્ડર અને પાછળના ભાગમાં બીજા 27  હાઇડ્રોજન સિલિન્ડર સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ ટ્રેન જાતે જ વીજળી ઉત્પન્ન કરે છે

આ ટ્રેન જાતે જ વીજળી ઉત્પન્ન કરે છે. એટલે કે તે હરતું ફરતું પાવર જનરેટર'  છે. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી હાઇડ્રોજન સાથે સંકળાયેલ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. તેનો સૌથી મોટો ફાયદો શૂન્ય કાર્બન ઉત્સર્જન છે. આ પ્રક્રિયાની એક બાય પ્રોડક્ટ પાણીની વરાળ અને ગરમી છે.

હાઇડ્રોજન રેલવે ટકાઉ ગતિશીલતા માટે ઉત્તમ ઉકેલ 

ઉલ્લેખનીય છે કે, હાઇડ્રોજન-આધારિત રેલ સિસ્ટમ્સ ટકાઉ ગતિશીલતા માટે ઉત્તમ ઉકેલ તરીકે વૈશ્વિક સ્તરે ઝડપથી માન્યતા મેળવી રહી છે. આ પહેલ સાથે, ભારત જર્મની, જાપાન, ચીન અને અમેરિકા સહિત દેશોના એક વિશિષ્ટ જૂથમાં જોડાયું છે જે સ્વચ્છ રેલ પરિવહન માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યા છે.

ટ્રેનને સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન કરી વિકસાવવામાં આવી

આ ટ્રેનને સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન કરી વિકસાવવામાં આવી છે.જે ભારતીય રેલ્વેની આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જેનું  સંશોધન ડિઝાઇન અને માનક સંગઠન (RDSO)લખનૌ અને ઉત્પાદન  ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ચેન્નાઈ દ્વારા કરવામાં આવ્યું છે.