Mon Jul 06 2026

Logo

ભારતીય પાસપોર્ટને લાગ્યો મોટો ઝટકો! ટોપ-100માં પણ ન મળ્યું સ્થાન

2026-07-05 22:34:35
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પાસપોર્ટને ભારતીય નાગરિક હોવાનો પુરાવો ન ગણી શકાય મંત્રાલયના એવા નિવેદન બાદ અનેક મુદ્દાઓ પર બબાલ મચી ગઈ હતી. વિદેશમાં દૂતાવાસની કચેરીમાં જ્યારે કોઈ મદદની જરૂર પડે ત્યારે પહેલા ભારતીય નાગરિક છે કે નહીં એ તપાસવા માટે ફરી પાસપોર્ટનું જ ચેકિંગ થાય છે. એવામાં હવે ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારતનું રેન્કિંગ ફરી એકવાર નીચે આવ્યું છે. આ વર્ષે, ભારત 125માં સ્થાને આવી ગયું છે. જેના કારણે ભારતીય પાસપોર્ટ ધારકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી સુવિધા મર્યાદિત થઈ ગઈ છે. 

26 દેશ વિઝા-ફ્રી
ભારતીય નાગરિકો હવે ફક્ત 26 દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલ સાથે મુસાફરી કરી શકે છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં નજીવા સુધારા છતાં, ભારત ટોચના 100 દેશોમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયો છે. ભારત વર્ષ 2021 અને 2023 બંનેમાં 127માં સ્થાને હતો. તે 2025માં 124માં સ્થાને પહોંચ્યો હતું પરંતુ 2026માં એક સ્થાન નીચે 125માં સ્થાને આવી ગયો. આ વર્ષના રેન્કિંગમાં સૌથી નોંધપાત્ર ફેરફાર એ છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ફ્રાન્સ બંને 11માં સ્થાને છે, ટોચના 10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે કેનેડા 13માં ક્રમે છે. અહેવાલ મુજબ, યુરોપિયન રાષ્ટ્રો વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં પ્રભુત્વ જાળવી રાખે છે, જે ફરી એકવાર વૈશ્વિક મુસાફરી સ્વતંત્રતા અંગે યુરોપની મજબૂત સ્થિતિ દર્શાવે છે.

ક્યાં વિઝા અનિવાર્ય?
નવા રેન્કિંગમાં, ભારત નામિબિયા, ફિલિપાઇન્સ, મોરોક્કો અને ઉઝબેકિસ્તાન જેવા દેશોથી પાછળ છે, જ્યારે અઝરબૈજાન અને કિર્ગિસ્તાન તેનાથી નીચે છે. ભારતીય પાસપોર્ટ ધારકો 26 દેશો અને પ્રદેશોમાં - જેમાં ભૂટાન, નેપાળ, જમૈકા, મકાઉ, પેલેસ્ટાઇન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસનો સમાવેશ થાય છે - વિઝા વિના અથવા વિઝા-ઓન-અરાઇવલ સુવિધાઓ સાથે મુસાફરી કરી શકે છે. જો કે, ભારતીય નાગરિકોએ યુએસ, યુકે, જર્મની, ફ્રાન્સ, ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિત આશરે 88 દેશોમાં મુસાફરી કરવા માટે અગાઉથી વિઝા મેળવવાની જરૂર છે. આ યાદીમાં ચીન 104માં ક્રમે છે, જે તેને ભારતથી આગળ રાખે છે. જોકે, ભારત તેના ઘણા પડોશીઓ કરતાં સારી સ્થિતિમાં છે. બાંગ્લાદેશ - 166માં,  નેપાળ - 164માં, પાકિસ્તાન - 188માં ક્રમે છે. 

ટોપ ટેન દેશ
સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, ફિનલેન્ડ, જર્મની, ડેનમાર્ક, નેધરલેન્ડ, આયર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ, નોર્વે, સિંગાપોર