બદ્રીનાથઃ અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસ બાદ હવે બદ્રીનાથ ધામમાં આવેલા બદ્રીનાથ મંદિરમાંથી દાનની રકમ સાથે ગડબડ થઈ હોવાની વાત સામે આવી છે. આ વાવડ મળતા જ બદ્રીનાથ મંદિર સિક્યોરિટી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ કેસમાં હવે બદ્રીનાથ-કેદારનાથ ચાર સભ્યોની કમિટીની રચના કરી દીધી છે. જેને સાત દિવસમાં રિપોર્ટ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિર દાનચોરીના કેસમાં દિવસે દિવસે મોટા વળાંક આવી રહ્યા છે. હવે ઉત્તરાખંડમાં આવેલા બદ્રીનાથ ધામમાં દાનની રકમ સાથે ગડબડ થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસની તપાસ કરવા માટે ચાર સભ્યની કમિટીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્ય અધિકારીનું નિવેદન
બદ્રીનાથ કેદારનાથ ટેમ્પલ કમિટી (BKTC)ના મુખ્ય કાર્યકારી અધિકારી સોહનસિંહ રાંગડે જણાવ્યું હતું કે, આ કમિટીના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ એક નિષ્પક્ષ તપાસ થાય એ માટે ચાર સભ્યોની કમિટી બનાવી છે. સાત દિવસમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એમાં અન્ય સ્પષ્ટતા પણ હશે. આ કમિટી મંદિર પરિસરમાં આવેલા કેટલાક સીસીટીવી ફૂટેજની તપાસ કરશે. અન્ય સંબંધીત કર્મચારીઓની પૂછપરછ પણ કરશે. અન્ય કેટલાક પુરાવાઓને પણ ક્રોસ વેરિફાઈ કરાશે. 2 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર કેટલાક આરોપ અંગે ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચા પાછળ હકીકત શું છે અંગે પહેલા તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં જે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી એમાં કોઈ વાત સ્પષ્ટ થઈ ન હતી. વિડિયો પણ પૂરી રીતે સ્પષ્ટ ન હતા. આ પછી કેસની ગંભીરતા જોઈને BKTCએ આ અંગે યુદ્ધના ધોરણે નિર્ણય કર્યો હતો.
કોનો ખુલાસો મંગાશે?
આ સિવાય મંદિર સાથે જોડાયેલા કેટલાક સંબંધિત કર્મચારીઓ પાસેથી ખુલાસો પણ માગવામાં આવ્યો છે. તપાસ કમિટીનો રિપોર્ટ સામે આવ્યા બાદ જો કોઈ કર્મચારી દોષિત જાહેર થશે તો એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ભાવિકો તથા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે, કોઈ પણ ભ્રામક જાણકારીમાં આવીને ખોટું પગલું ભરતા નહીં. અન્ય કોઈ ખોટી જાણકારીને સોશિયલ મીડિયા પર શૅર કરશો નહીં.આ કેસ દેશના સૌથી પવિત્ર મંદિર તથા તીર્થસ્થળ સાથે જોડાયેલો છે. જ્યાં દેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. હકીકત સામે આવે એ પહેલા જ કોઈ નિવેદન આપવું યોગ્ય નથી. હેમંત દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને ફગાવી દીધા હતા. તેમણે એક વાત એ પણ સ્પષ્ટ કરી કે, જે કર્મચારીને સચીવ તરીકે દર્શાવાયા છે એ ખરેખરમાં મંદિર સમિતિના નિયમિત સરકારી કર્મચારી છે. એ કોઈના વ્યક્તિગત સચીવ નથી. જો દોષિત કોઈ સાબિત થશે તો કાયદેસરના પગલાં લેવાશે.
રાજકીય રંગ લાગ્યો
આ મુદ્દાએ ઉત્તરાખંડમાં રાજકીય વાતાવરણ પણ ગરમાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગણેશ ગોડિયાલે પુષ્કર સિંહ ધામી સરકાર પર નિશાન સાધ્યું, બદ્રીનાથ ધામ અંગેના આરોપોને અત્યંત ગંભીર ગણાવ્યા. તેમણે કહ્યું કે પહેલા અયોધ્યા રામ મંદિર અંગે અને હવે બદ્રીનાથ ધામમાં ચઢાવાયેલા પ્રસાદ અંગેના આરોપોથી કરોડો સનાતન ધર્મ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ગોડિયાલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસની માંગ કરી અને આગ્રહ કર્યો કે દોષિત ઠરનારા કોઈપણ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. શનિવારે, કોંગ્રેસના કાર્યકરો સાથે, તેમણે રામ મંદિર અને બદ્રીનાથ ધામમાં કથિત ગેરરીતિઓ સામે બાગેશ્વરના બાગનાથ મંદિર સંકુલમાં મૌન વિરોધ પણ કર્યો. આ અંગે હવે આવનારા દિવસોમાં ચિત્ર વધારે સ્પષ્ટ થશે.