Sun Jun 14 2026

Logo

વિદેશી રોકાણકારોને રાહત આપવાથી ભારતીય શેરબજારને રાહત થશે ખરી?

2026-06-14 10:09:00
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

જયેશ ચિતલિયા



 

વિદેશી રોકાણકારોના એકધારા નેટ વેચાણ અને તેને પગલે ઘટતો જતો રૂપિયો, ઘટતું વિદેશી હૂંડિયામણ, ઘટતું શેરબજાર, ઈત્યાદિ ગંભીર ચિંતાનું કારણ બન્યા તેથી સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા તેમને ચોકકસ પ્રકારની કરરાહતો અને સરળ સુવિધા આપવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે પણ આ વિષયમાં ગયા સપ્તાહમાં ચોકકસ રાહતો-સુવિધાઓ જાહેર કરી હતી.

 

ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ (ફોરેન ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ) સતત નેટ સેલર બન્યા રહીને બજારને નોંધપાત્ર નીચે લઈ ગયા છે, જેનાં વિવિધ કારણો છે, પરંતુ તેમાંથી અમુક કારણ હવે અટકવા યા બંધ થવાની તૈયારીમાં છે. જોકે આમ તો હજી આ અધ્ધર ગણાય, તેમ છતાં જો ખરેખર આ કારણો પૂરાં થઈ જાય પછી પણ એફઆઈઆઈનો રોકાણ પ્રવાહ ભારતમાં ઝડપી બનવાની શકયતા ઓછી છે.

 

બીજી બાજુ જેમાં વિદેશી-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ રોકાણ કરવા વધુ ઉત્સુક છે એવા સેકટરમાં ભારત હજી બહુ ધીમી ગતિએ આગળ વધી રહયું છે. આ સેકટરમાં અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), સેમિ-ક્ધડકટર્સ, ચિપ્સ, ઈલેકટ્રિકલ વાહનોનો સમાવેશ થાય છે. તેથી જ ગ્લોબલ ઈન્વેસ્ટર્સનો પ્રવાહ તાઈવાન અને સાઉથ કોરિઆની બજારો તરફ વધી રહ્યો છે. આ બંને બજારોના માર્કેટ કેપ ભારતીય બજાર કરતાં ઉપર નીકળી ગયા છે. ભારતમાં આ સેકટર્સમાં રોકાણ પ્રવાહ વધે, મજબૂત કોર્પોરેટ હાઉસિસ આ સેકટર્સમાં રોકાણ કરવા સક્રિય બને તો ગ્લોબલ રોકાણકારો અહીં પણ રોકાણ વાળી કે વધારી શકે છે. સરકાર પણ આ વિષયમાં વધુ રસ લઈ નકકર પગલાં ભરે અને તેને પ્રોત્સાહન આપે એ સમયની માગ છે. 

 

યુએસ માર્કેટમાં પણ અઈં સેકટર સ્ટોકસમાં તેજી થઈ, પરંતુ આ તેજી કેટલી પાકકી અને નકકર એની સામે પણ કેટલાક  સવાલ  છે. જયારે કે એફઆઈઆઈ ભારતીય અર્થતંત્રમાં લોંગ ટર્મનો આશાવાદ ધરાવતા હોવાનું ચોકકસ માની શકાય.

 

આ જ રીતે, બીજી બાજુ નાણાકીય વરસ 2026માં જીડીપી ગ્રોથરેટ પણ ધારણાથી અલગ રહીને 7.7 ટકા જેવો ઊંચો અને કવાર્ટરલી (જાન્યુઆરીથી માર્ચ-26) રેટ 7.8 ટકા જેવો ઊંચો રહ્યો છે. જોકે હવે તે ધીમો પડવાની શકયતા છે. અત્યારે તો બજારની ચાલને અસર કરે તેવા વિવિધ પોઝિટિવ અને નેગેટિવ અથવા જોખમી બની શકે એવાં પરિબળો મોજુદ છે.

 

શૅરબજાર કેમ વોલેટાઈલ?

 

યુએસ-ઈરાન વિવાદ, જિઓપોલિટિકલ સંજોગો-અનિશ્ર્ચિતતા, ક્રૂડનાં ઊંચા ભાવ, રૂપિયાનું નીચું મૂલ્ય, ભારતમાં ધીમી પડેલી વિકાસની ગતિ બજારની વોલેટોલિટીનાં મુખ્ય કારણો છે, એક સૌથી મોટું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું એકધારું નેટ સેલ્સ પણ છે. આ સિવાયના કારણો તો બધાં દેશોને લાગુ પડે છે, માત્ર ભારતને નહીં, આખરે વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટર્સના રોકાણ પ્રવાહની ભારતીય શેરબજારને જરૂર છે એ ફરી સાબિત થયું. અલબત્ત, વિદેશી રોકાણકારોને પણ ભારતીય સ્ટોક માર્કેટની જરૂર ખરી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમનો વળી ગયેલો રોકાણ પ્રવાહ, સતત વેચાણ મારફત ભારતમાંથી ઊપડતા જતાં તેમનાં નાણાંએ બજાર ઉપરાંત સરકારને પણ ચિંતા કરવા પર મજબૂર કર્યા અને ભારત સરકારે વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાનું આકર્ષણ વધે, રાહતો વધે એવા નીતિવિષયક નવા પગલાં લેવાનું શરૂ કર્યું છે.

 

સ્ટોક એકસચેંજીસ વચ્ચે પણ હરીફાઇ

 

વિશ્વના વિવિધ સ્ટોક એકસચેંજીસ અને વિવિધ એસેટેસ વચ્ચે પણ રોકાણ આકર્ષવા માટેની હરીફાઇ ચાલતી હોય છે, જેમાં આખરે તો અર્થતંત્ર અને કોર્પોરેટસની કામગીરી-કમાણી તેમ જ વિકાસદર મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. હાલ ભારતીય ઈકોનોમી જે સંજોગોમાંથી પસાર થઈ રહી છે તેને ધ્યાનમાં રાખતા તેને પણ વેગ અને બળ માટે પેટ્રોલ-ડિઝલ તેમ જ ગેસ- ઊર્જા સ્વરૂપે રાહતોની જરૂર પડી છે. આ હકીકતને લક્ષ્યમાં રાખી સરકારે વિદેશી રોકાણકારો માટે કરરાહત સહિત સરળતા રૂપી રાહતો જાહેર કરી છે. આ માટે વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય કરારોની પણ સમીક્ષા થઇ રહી છે અને જેમાં જરૂરી સુધારા મારફત પણ વિદેશી રોકાણનો માર્ગ સરળ કરાશે. બાય ધ વે, વિદેશી કે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ પણ આખરે તો પ્યોર ઈન્વેસ્ટર જ છે, જેને જયાં વધુ લાભ, સુરક્ષા અને વિકાસ દેખાય ત્યાં વધુ જાય.

 

ભારતની ગ્રોથ સ્ટોરી

 

તાજેતરમાં ગ્લોબલ સીટી ગ્રુપના ચીફે કરેલા નિવેદન મુજબ ભારતીય અર્થતંત્ર હાલ ભુરાજકીય અનિશ્ર્ચિતતા અને સંજોગોનો સામનો કરી રહ્યું છે, પણ આ શોર્ટ ટર્મ છે. 

 

ભારતની ટેક ટેલેન્ટ અને ડાઈવર્સ ઈકોનોમીને લીધે લાંબાગાળાની ગ્રોથ સ્ટોરી અકબંધ છે. તેમના મતે ભારતીય માર્કેટના વેલ્યૂએશન ઊંચા છે, પણ તેના ફંડામેન્ટલ્સ મજબૂત છે. ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સાઈકલિકલ ફેકટર્સની રાહ જુએ છે, વેલ્યૂએશન તેમને હજી ઊંચા લાગતા હોવાથી કંઈક અંશે કરેકશનની પણ રાહ જોવાય છે.

 

સરકાર તથા રિઝર્વ બૅં કના અભિગમ

 

સરકાર અને રિઝર્વ બેંક વિદેશી રોકાણ આકર્ષવાના મામલે સાથે મળી કામ કરી રહી છે. રિઝર્વ બેંકના પગલાંનું લક્ષ્ય એ જ રહ્યું છે કે વિદેશી રોકાણ પ્રવાહ ભારતમાં વધુ આવે. એકબાજુ સરકાર વિદેશી હૂંડિયામણ દેશની બહાર વધુ ન જાય એ દિશામાં છે, જયારે બીજી બાજુ રિઝર્વ બેંક પાસેથી એ કામ લેવાઈ રહયું છે કે વિદેશી હૂંડિયામણનો પ્રવાહ ભારતમાં વધુ આવે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)ને સરકારી સિકયોરિટીઝમાં રોકાણ બાબતે કરરાહત સહિત વિવિધ સરળીકરણ કરી આપ્યા છે. એનઆરઆઈ-ઓસીઆઈ (ઓવરસીઝ સિટીઝન્સ ઓફ

 

ઈન્ડિયા) માટે પણ રોકાણ પર પ્રોત્સાહન ઓફર થયા છે. અલબત્ત, આ તમામ પ્રયાસના પરિણામ તરત મળવા કઠિન છે. અહી એ નોંધવું મહત્ત્વનું છે કે સરકાર આ સંજોગોમાં વધુ આર્થિક સુધારા (ઈકોનોમિક રિફોર્મ્સ)ની દિશામાં પણ આગળ વધશે, જે અર્થતંત્રને વધુ સક્ષમ અને વિકાસલક્ષી બનાવવામાં સહાયરૂપ થશે. ભારતીય રોકાણકારોએ આશા અને ધીરજ જાળવી રાખવા જેવા છે.