દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
કેન્દ્ર સરકાર ચોમાસા સત્ર પૂર્વે લાવી શકે છે ડિલીમીટેશન બિલ, રાજકીય પક્ષો સાથે ચર્ચા શરૂ
કેન્દ્ર સરકાર ચોમાસા સત્ર પૂર્વે ફરી એકવાર ડિલીમીટેશન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં સરકાર "વન નેશન વન ઇલેકશન" સાથે જ આ બિલ લાવી શકે છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર આ મોટા બંધારણીય સુધારા પૂર્વે રાજકીય સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે, રાહુલ ગાંધી હાજર રહેશે
કોંગ્રેસ રાજ્યસભામાં પોતાની સ્થિતી મજબૂત બનાવવાની કવાયત કરી રહી છે. જેના પગલે હાલમાં જ કર્ણાટકમાં જીત બાદ રાજ્યસભાની ચારમાંથી ત્રણ બેઠક જીતી શકે તેમ છે. જેના પગલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવશે. આ પ્રસંગે રાહુલ ગાંધી પણ હાજર રહેશે.
બ્રિટિશરો લૉર્ડ્સમાં કિવી પેસ બોલર્સના ઘૂંટણિયે, સ્કોર 5/55
લંડનમાં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ગુરુવારે સિરીઝની પ્રથમ ટેસ્ટ મૅચ શરૂ થઈ છે જેમાં પહેલા જ દિવસે બ્રિટિશ બૅટ્સમેનોએ કિવી બોલર્સ સામે ઘૂંટણિયા ટેકવ્યા છે. વરસાદના વિઘ્નની આ ટેસ્ટ પર થોડી અસર થઈ, પરંતુ ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીત્યા પછી ફીલ્ડિંગ લેવાના પોતાના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો. એના ત્રણ પેસ બોલર કાઇલ જૅમીસન, વિલ ઑરુરકે અને નૅથન સ્મિથે ઇંગ્લૅન્ડની એના જ આંગણે ખબર લઈ નાખી છે. માત્ર પંચાવન રનમાં ઇંગ્લૅન્ડે પાંચ વિકેટ ગુમાવી દીધી. જૅમીસન તતા ઑરુરકેએ બે-બે અને સ્મિથે એક વિકેટ લીધી છે. બાવીસમી ઓવરને અંતે બ્રિટિશ ટીમનો પ્રથમ દાવનો સ્કોર 5/68 હતો. આઉટ થઈ ચૂકેલા બૅટ્સમેનોમાં બેન ડકેટ (19 રન), એમિલિયો ગે (આઠ રન), જેકબ બેથેલ (છ રન), જૉ રૂટ (એક રન) અને જૅમી સ્મિથ (એક રન)નો સમાવેશ છે. હૅરી બ્રૂક 27 રને અને કૅપ્ટન બેન સ્ટૉક્સ ચાર રને રમી રહ્યો હતો.

ભાજપે ગુજરાત સહિત પાંચ રાજ્યના રાજયસભા ચૂંટણી માટે 11 ઉમેદવારના નામ જાહેર કર્યા
ભાજપે રાજયસભા ચૂંટણી માટે 11 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં 5 રાજ્યો અરુણાચલ પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, મણિપુર, રાજસ્થાન અને ઓડિશાની બેઠકનો સમાવેશ થાય છે. આ યાદીના ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપની આ યાદીમાં તરુણ ચુગ અને સતીશ પુનિયા જેવા વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે.
BJPએ રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત કરી
ભારતીય જનતા પાર્ટી ગુજરાત સહિત 5 રાજ્યની રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે ગુજરાતમાંથી ઉમેદવાર તરીકે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝરિયાના નામની જાહેરાત કરી છે.
ગુજરાતમાં પોલીસ રેન્જનું વિભાજન, નવી બનાસકાંઠા રેન્જની રચના
ગુજરાત સરકારે સરહદી વિસ્તારની સુરક્ષાને સઘન બનાવવામાં માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગૃહ વિભાગના પરિપત્ર મુજબ કચ્છ રેન્જમાંથી વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે. જેનું હેડ ક્વાર્ટર પાલનપુર રહેશે. આ ઉપરાંત સરહદી જિલ્લાઓને સાંકળતા પોલીસના રેન્જ માળખામાં પણ ફેરબદલ કરાયો છે.
ભારતીય બૉક્સર જાસ્મિન બની ગઈ વર્લ્ડ નંબર-વન
હરિયાણા રાજ્યના ભિવાની જિલ્લાની 24 વર્ષીય બૉક્સર જાસ્મિન લંબોરિયા થોડા સમયથી મહિલાઓની મુક્કાબાજીના 57 કિલો વર્ગમાં વર્લ્ડ ચૅમ્પિયન તો છે જ, હવે તેણે બીજી મોટી સિદ્ધિ પણ મેળવી લીધી છે. જાસ્મિન આ કૅટેગરીની મુક્કાબાજો માટેના વર્લ્ડ રૅન્કિંગમાં નંબર-વન થઈ ગઈ છે. તે તાજેતરમાં જ એશિયન ચૅમ્પિયનશિપ જીતી હતી. ભારતની જ મિનાક્ષીએ 48 કિલો વર્ગમાં વર્લ્ડ નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે. એ ઉપરાંત, 60 કિલો વર્ગમાં ભારતની પ્રિયા ઘંઘાસ અને 50 કિલો વર્ગમાં વિશ્વનાથ સુરેશ પોતપોતાની કૅટેગરીના ટોચના ત્રણ રૅન્કિંગમાં આવી ગયા છે.

સુપ્રીમ કોર્ટે ફોગાટના કિસ્સામાં ફેડરેશનની અપીલ ફગાવી
મહિલા કુસ્તીબાજોને એશિયન ગેમ્સ માટે પસંદ કરવા માટેની સિલેક્શન ટ્રાયલમાં રેસલર વિનેશ ફોગાટને ભાગ લેવાની છૂટ આપતા દિલ્હી હાઈ કોર્ટના ફેંસલાને પડકારતી જે અપીલ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ડબ્લ્યૂએફઆઇ)એ કરી હતી એને સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ વિષયમાં પછીથી જે ઘટનાઓ બની એ જોતાં ડબ્લ્યૂએફઆઇની અપીલ અર્થહીન બની ગઈ કહેવાય. ઉલ્લેખનીય છે કે ફોગાટને સુપ્રીમ કોર્ટે તાજેતરની સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવાની છૂટ આપી હતી, પણ તે એમાં હારી જતાં એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી. જોકે સુપ્રીમ કોર્ટનો ડબ્લ્યૂએફઆઇને લગતો ફેંસલો ભવિષ્યના આવા અન્ય કિસ્સા માટે સીમાચિહ્નરૂપ થઈ ગયો છે.

દિલ્હી હોટલ અગ્નિકાંડમાં હોટલ માલિકને કોર્ટે ચાર દિવસના પોલીસ કસ્ટડી મોકલ્યો
દક્ષિણ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. પોલીસે હોટલના માલિક લવકેશ બજાજની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી. જેની બાદ કોર્ટમાં રજૂ કરતા સાકેત કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડી આપી છે. જેમાં પોલીસ લવકેશ બજાજની આગની ઘટના અંગે ઉલટ તપાસ કરશે.
કોંગ્રેસના રાજયસભા ઉમેદવારોના નામ અંગે અટકળો તેજ,
કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કર્ણાટકથી રાજ્યસભામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો પ્રવેશ નિશ્ચિત માનવામાં આવે છે. તેમજ શર્મિલા રેડ્ડીનું નામ પણ સંભવિત ઉમેદવારોની યાદીમાં છે. જ્યારે ત્રીજી બેઠક માટે મન્સૂર અલી ખાનનું નામ સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સંભવિત ઉમેદવારોમાં પવન ખેડાનું નામ પણ ચર્ચા છે.
રાહુલ ગાંધીનો આરોપ,કહ્યું મોદી સરકારે અમેરિકા સામે આત્મ સમર્પણ કર્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધી ખરાબ હવામાનના કારણે સિમકીની પહોંચી શકયા ન હતા. તેમણે દિલ્હીથી ટેલિફોનિક સભાને સંબોધિત કરી હતી. તેમણે વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે મોદી સરકારે અમેરિકા સામે આત્મ સમર્પણ કર્યું છે.
ગૃહ વિભાગનો મોટો નિર્ણયઃ મોરબી જિલ્લો હવે બોર્ડર રેન્જમાં
ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી જિલ્લો હવે બોર્ડર રેન્જમાં સામેલ કરાયો છે. અત્યાર સુધી મોરબી જિલ્લો રાજકોટ રેન્જનો ભાગ હતો. આ ઉપરાંત નવીન બનાસકાંઠા રેન્જની પણ રચના કરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા-પાલનપુર, પાટણ, વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ કરાયો છે. રાજકોટ રેજન્માં રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લા રહેશે. જ્યારે બોર્ડર રેન્જમાં પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ - ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ કરાયો છે.
અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI સસ્પેન્ડ
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારનારા મહિલા PSI સોનલ રાઠોડને અંતે ત્રીજા દિવસે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદના પંચવટી વિસ્તારમાં કેબીન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીને મહિલા PSI દ્વારા માર મારવામાં આવ્યો હતો.
ધારાસભ્ય યોગેશ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
વડોદરાના માંજલપુર મતવિસ્તારના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. પુત્ર અને પુત્રી દ્વારા પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો. યોગેશ પટેલને પરિવારજનોએ રડતી આંખે વિદાય આપી હતી. ગત મંગળવારે 2 જૂનના રોજ ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું હતું. રોજ સવારે ખાસવાડી સ્મશાને તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉપસ્થિત જોવા મળ્યાં હતાં.
કેરલમમાં ચોમાસાનું સત્તાવાર આગમન
દેશમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવા ચોમાસાનું કેરલમમાં સત્તાવાર આગમન થઈ ગયું છે. કેરલમમાં ચોમાસું નિર્ધારીત સમય કરતાં 4 દિવસ મોડું પહોંચ્યું છે. સામાન્ય રીતે 1 જૂને કેરલમમાં ચોમાસું પહોંચી જાય છે. ગુજરાતમાં 20 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે.
અમેરિકાન સંસદમાં ઈરાન સામે યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પાસ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમના જ સાથીઓના સંસદમાં મોટો ઝટકો આપ્યો છે. ઈરાન સાથે યુદ્ધ અટકાવવાના ઠરાવ અંગે તેમની જ રિપબ્લિકન પાર્ટીના કાયદા ઘડનારાઓએ પક્ષપલટો કર્યો છે. નીચલા ગૃહ - પ્રતિનિધિ ગૃહ - એ ઠરાવ પસાર કર્યો, જેમાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ આ ઠરાવ 215* 208 મતથી પસાર થયો. ચાર રિપબ્લિકન સાંસદોએ રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં જઈને ઈરાન સાથે યુદ્ધ બંધ કરવાના ઠરાવને ટેકો આપ્યો છે.
રાજ્યમાં ગેરકાયદેસર પકડાયેલા બાંગ્લાદેશીઓની સંખ્યા 500ને પાર
રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા માટે ઓપરેશન ડેલ્ટા શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી શરૂ થયેલા આ ઓપરેશનમાં રાજ્યભરમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં ધરપકડ કરાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા 501 પર પહોંચી છે.
મુઝફ્ફરપુરના બ્રહ્મપુરામાં પ્રસાદ હોસ્પિટલમાં લાગી આગ
મુઝફ્ફરપુરઃ બિહાર રાજ્યમાં મુઝફ્ફરપુરના બ્રહ્મપુરામાં આવેલ પ્રસાદ હોસ્પિટલમાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આગની આ ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગી ત્યારે આઈસીયુમાં ભરતી થયેલા 3 લોકોનું મોત પણ થયું છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 12 ગાડીઓ કામે લાગી ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.