Fri Jun 05 2026

Logo

શેરબજાર: અધધધધ રૂ. ૧૫ લાખ કરોડનો મામલો, રાજેશ એક્સપોર્ટસમાં મોટો કડાકો

2026-06-04 16:11:16
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા

મુંબઇ:
શેરબજાર અત્યારે ફંડામેન્ટલ અને વિદેશી પરિબળો સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે રાજેશ એક્સપોર્ટ પર માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ રૂ. ૧૫ લાખ કરોડના મિસરિપોર્ટીંગના કરેલા આરોપ સાથે જાહેર કરેલા આદેશને કારણે બજારને એક વધુ ઝટકો મળ્યો છે.

સેબીના આદેશની ચર્ચાને કારણે  શેર તો મોટો કડાકા સાથે નીચલી સર્કિટમાં ધસી જ પડ્યા છે, પરંતુ એ જ સાથે શેરબજારમાં પણ મોટી હલચલ જોવા મળી છે, કારણ કે આ કંપનીમાં એલઆઇસી સહિત એફઆઇઆઇનું પણ મોટું રોકાણ છે. જોકે, રાજેશ એક્સપોર્ટે એક ન્યૂઝ પોર્ટલને એવી પ્રતિક્રિયા આપી હતી કે આ માત્ર એક વચગાળાનો આદેશ છે અને તેમાં સત્ય નથી!

સેબીના ઉપરોક્ત આરોપ બાદ જેમ્સ એન્ડ જ્વેલરી કંપની રાજેશ એક્સપોર્ટસ લિમિટેડના શેર ગુરુવારે પાંચ ટકાના કડાકા સાથે નીચલી સર્કિટ મર્યાદા પર પહોંચી ગયા હતા. બજાર નિયમનકાર સેબીએ પોતાના આદેશમાં આ કંપનીના પ્રમોટર અને સીઈઓ રાજેશ મહેતાને કંપનીના સિક્યોરિટીઝમાં સોદા કરવાથી પ્રતિબંધિત કર્યા હતા, જેમાં નાણાકીય નિવેદનોમાં મોટા પાયે ખોટી રજૂઆત અને ભંડોળના ડાયવર્ઝનનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

બીએસઈ પર આ શેર ૪.૯૯ ટકાના કડાકા સાથે રૂ. ૧૦૪.૬૫ની નીચલી સર્કિટ મર્યાદા પર પહોંચી ગયો હતો. જ્યારે  એનએસઈ પર આ શેર ૪.૯૯ ટકાના કડાકા સાથે રૂ. ૧૦૩.૯૨ ની નીચલી સર્કિટ મર્યાદાએ અથડાયો હતો. નિયમનકારી કાર્યવાહીથી એલઆઇસીના શેર પર પણ નકારાત્મક અસર પડી, જે ટ્રેડિંગ અવર્સ દરમિયાન લગભગ એકાદ ટકા તૂટ્યા હતા. આ વીમા કંપની રાજેશ એક્સપોર્ટસમાં લગભગ ૧૦ ટકા હિસ્સો ધરાવે છે.

સેબીએ કંપનીને તપાસકર્તાઓને સંપૂર્ણ સહકાર આપવા અને નાણાકીય નિવેદનો અને સંબંધિત પક્ષ વ્યવહારોના સાચા અને ન્યાયી ખુલાસાની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. આ મામલો માર્ચ ૨૦૨૪માં મળેલી શેરધારકની ફરિયાદથી ઉદ્ભવ્યો હતો, જેણે કંપનીની બુક્સમાં નોંધાયેલી નોંધપાત્ર ટ્રેડ રિસિટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રારંભિક સમીક્ષા પછી, સેબીએ એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૪ સુધીના સમયગાળાને આવરી લેતી તપાસ શરૂ કરી અને બીડીઓ ઇન્ડિયા સર્વિસિસને ફોરેન્સિક ઓડિટર તરીકે નિયુક્ત કર્યા હતા.

સેબીના આદેશ અનુસાર, રાજેશ એક્સપોર્ટસ વારંવાર તપાસ દરમિયાન માગવામાં આવેલા મુખ્ય એકાઉન્ટિંગ સિસ્ટમ્સ, નાણાકીય રેકોર્ડ્સ અને સહાયક દસ્તાવેજોની ઍક્સેસ પૂરી પાડવામાં નિષ્ફળ રહી હોવાને કારણે ફોરેન્સિક ઓડિટરની ટ્રાન્ઝાક્શનના નોંધપાત્ર હિસ્સાને સ્વતંત્ર રીતે ચકાસવાની ક્ષમતા મર્યાદિત થઈ ગઈ હતી.