Wed Jun 24 2026

Logo

ઈઝરાયલની 'મોસાદ' પાકિસ્તાનના સેના પ્રમુખને મારવા માંગતી હતી? જાણો શું છે સત્ય

Rio   2026-06-24 21:05:45
Author: mumbai samachar team
Article Image

રીયોઃ ઘણીવાર એવું બન્યું છે કે, પાકિસ્તાનની ન માત્ર ઊંઘ ઉડી ગઈ છે પણ પેટમાં તેલ પણ રેડાયું છે. આવો જ એક કિસ્સો બ્રાઝિલના એક પત્રકારે શૅર કર્યો છે. પત્રકારના એક દાવાથી પાકિસ્તાનમાં સમસની મચી ગઈ છે. જો પત્રકારનું સાચું માનવમાં આવે તો ન માત્ર પાકિસ્તાનના અસિમ મુનીર જ નહીં સમગ્ર પાકિસ્તાન પ્રતિનિધિમંડળને ખતમ કરવાનું કાવતરૂં મોસાદે બનાવી નાંખ્યું હતું. આ વાતની ચર્ચા ઈરાનથી લઈને ઈઝરાયલ સુધી થઈ રહી છે, જ્યારે પાકિસ્તાનમાં તો સનસની મચી ગઈ છે. 

શું દાવો કર્યો જેનાથી સત્તા હચમચી?
બ્રાઝિલના પત્રકાર અને જિયો સ્ટ્રેટજિક એક્સપર્ટ પેપે એસ્કોબારે જે દાવો કર્યો છે એનાથી પાકિસ્તાનથી લઈને ઈઝરાયલ સુધીના આકાઓની સત્તાની ખુરશીના પાયા હચમચી ગયા છે. પત્રકારે દાવો કર્યો હતો કે, ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે પાકિસ્તાની પ્રતિનિધિમંડળનો ખાતમો બોલાવી દેવા માટે પ્લાન બનાવી દીધો હતો. આ એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું. પાકિસ્તાનના મિલિટરી ચીફ ફિલ્ડ માર્શલ અસિમ મુનીર તથા સમગ્ર ડેલિગેશનની હત્યા કરવાનું કાવતરૂ હતું. આ ઑપરેશનને એ સમયે અંજામ આપવાનો હતો જ્યારે પાકિસ્તાન આર્મી ચીફ ઈરાન શાંતિ વાર્તા માટે સ્વિટઝર્લેન્ડના જીનિવામાં હતા.પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિવાર્તા માટેની મધ્યસ્થી કરી છે. આ પહેલા પણ તેણે બંન્ને દેશ શાંતિથી વાત કરીને બેઠક કરે એવા પ્રયાસ કર્યા હતા. જે નિષ્ફળ સાબિત થયા હતા. પ્રથમવાર જ્યારે પાકિસ્તાને મધ્યસ્થી જાહેર કરી એ સમયે આ બેઠકને ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ એવું નામ આપવામાં આવ્યું હતું. 

કોની હત્યા કરવાનો પ્લાન હતો?
સ્વિટઝર્લેન્ડ અસિમ મુનીરની હત્યા કરવાનો પ્લાન હતો. પાકિસ્તાનના મિલિટરી ઈન્ટેલિજન્સને પાક્કા અને ભરોસાપાત્ર ઈન્પુટ આ અંગે મળી ચૂક્યા હતા. મોસાદના કેટલાક લોકો પણ સ્વિટઝર્લેન્ડમાં થનારી બેઠક સમયે ત્યાં હતા. એક ટીમ હાઈલેવલ વાતચીત દરમિયાન મુનિર અને પાકિસ્તાન ડેલિગેશનના બીજા સભ્યોને મારી નાંખવાની ફિરાકમાં હતી. ઈઝરાયલી નેતાએ ઈરાન-અમેરિકાની શાંતિવાર્તાની ટીકા કરતા કહ્યું હતું કે, પાકિસ્તાનને એમાં સામેલ કરવું જોઈએ નહીં. લેબનોનમાં ઈઝારયલના મિલિટરી ઑપરેશનથી પણ સમજૂતીમાં તિરાડ પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. ઈઝરાયલે કહ્યું હતું કે, લેબનોનમાં કોઈ રીતે ઑપરેશન અધુરૂં છોડવામાં નહીં આવે. કારણ કે ઈરાન સમર્થિત હિજબુલ્લાહનું જોખમ ઈઝરાયલ પર તોળાઈ રહ્યું છે. પાકિસ્તાની ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ 'ધ કરંટ' અનુસાર, ઘણા પત્રકારોએ આ વાર્તાને "પાયાવિહોણી અને તથ્યોથી વંચિત" ગણાવી છે. 

પાકિસ્તાનના પત્રકારનો મત
વરિષ્ઠ પત્રકાર સૈયદ તલત હુસૈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુનીર પર હત્યાના પ્રયાસ અંગેના આરોપને જાહેરમાં નકારી કાઢ્યો હતો. હુસૈનની પોસ્ટને ટાંકીને અહેવાલ આપ્યો કે, આ તદ્દન બકવાસ છે. તેમાં કોઈ સત્ય નથી. આવું ક્યારેય બન્યું નથી. એક વરિષ્ઠ પાકિસ્તાની સુરક્ષા અધિકારીએ આ આરોપને "ઘૃણાસ્પદ પ્રચાર" ગણાવ્યો હતો. પાકિસ્તાન સેના કે સરકારે એસ્કોબારના દાવાઓની પુષ્ટિ કરતું જાહેર નિવેદન બહાર પાડ્યું નથી. ઇઝરાયલી અધિકારીઓએ પણ આ આરોપનો જાહેરમાં જવાબ આપ્યો નથી. ઇઝરાયલ અને પાકિસ્તાન એકબીજાને દુશ્મન માને છે અને બંને રાષ્ટ્ર વચ્ચે કોઈ ભાગીદારી નથી. પાકિસ્તાન ઇઝરાયલને એક રાજ્ય તરીકે પણ માન્યતા આપતું નથી. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અગાઉ ઇઝરાયલની આકરી ટીકા કરી હતી.

પાયાવિહોણા આરોપો
આસિફે ઇઝરાયલને "દુષ્ટ" અને "માનવતા પર શાપ" ગણાવ્યું હતું અને તેના પર લેબનોનમાં નરસંહાર કરવાનો આરોપ મૂક્યો હતો. ઇઝરાયલી અધિકારીઓએ પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનના આરોપોને તાત્કાલિક ફગાવી દીધા હતા અને પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે વરિષ્ઠ સરકારી અધિકારીઓ આવા નિવેદનો આપી રહ્યા હતા ત્યારે શું ઇસ્લામાબાદ નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે કાર્ય કરી શકે છે.એસ્કોબારના દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી, ન તો પાકિસ્તાન કે ઇઝરાયલની સરકારે તેની પુષ્ટિ કરી છે. એસ્કોબારના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા પણ નથી. 
મુનીરની કથિત હત્યા અંગેના આરોપો ત્યારે સામે આવ્યા જ્યારે વડા પ્રધાન શહબાઝ શરીફના નેતૃત્વમાં એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના તણાવને ઓછો કરવાના હેતુથી રાજદ્વારી બેઠકોમાં ભાગ લઈ રહ્યું હતું. આસીમ મુનીર આ ઉચ્ચ સ્તરીય પાકિસ્તાની પ્રતિનિધિમંડળના સભ્ય હતા. પાકિસ્તાની પત્રકારોએ એસ્કોબારના દાવાને ફગાવી દીધો છે, તેને "તથ્યો વિનાની વાત" ગણાવી હતી.