Sun Sep 06 2026

Logo

`સુબહ કા ભૂલા...' અક્ષર પટેલનો પંતને રમૂજ સાથે દિલ્હીની ટીમમાં આવકાર

2026-06-24 21:13:56
Author: Ajay Motiwala
`સુબહ કા ભૂલા...' અક્ષર પટેલનો પંતને રમૂજ સાથે દિલ્હીની ટીમમાં આવકાર

રિષભે લખનઊની ટીમને ત્રણ જ શબ્દોમાં કરી અલવિદા

નવી દિલ્હીઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ કૅપ્ટન અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (Rishabh Pant)ને ટ્રેડ ડીલમાં (કુલદીપ યાદવના બદલામાં) દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ને આપી દીધો ત્યાર બાદ દિલ્હીની ટીમના સુકાની અક્ષર પટેલે પંતને હૃદયપૂર્વક અને થોડી રમૂજ સાથે ટીમમાં આવકાર આપ્યો છે.

રિષભ પંતને આઇપીએલની બે સીઝનથી એલએસજીના ફ્રૅન્ચાઇઝી પાસેથી (સીઝન દીઠ) 27 કરોડ રૂપિયા મળતા હતા, પણ દિલ્હીના ફ્રૅન્ચાઇઝી સાથેના કરાર મુજબ પંતને હવે સીઝન દીઠ 15 કરોડ રૂપિયા મળશે. દિલ્હીનો સ્પિનર કુલદીપ યાદવ હવે લખનઊ વતી રમશે અને તેને ત્યાં દિલ્હી જેટલું જ પેમેન્ટ (13.50 કરોડ રૂપિયા) મળશે.

આ હાઇ-પ્રોફાઇલ ટ્રેડ ડીલ બાદ દિલ્હી કૅપિટલ્સે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં અક્ષર પટેલ અને પંત વચ્ચેની ટૂંકી વાતચીત છે. પંતે અક્ષરને પોતાના વિશેના ન્યૂઝ બ્રેક કરવા વારંવાર કૉલ કર્યો હતો, પણ અક્ષર ત્યારે તેના બાળક સાથે હતો એટલે કૉલ રિસીવ નહોતો કરી શક્યો. 

અક્ષરે થોડી વાર બાદ જ્યારે પંતને કૉલ-બૅક કર્યો ત્યારે પંતે તેને કહ્યું, `ક્નફર્મ હો ગયા ભાઈ...મૈં વાપસ આ રહા હૂં.' અક્ષરે વીડિયોમાં પંત સાથેની વાતચીત બાબતમાં કહ્યું કે તે પંત સાથે પોતાનો એક વિચાર શૅર કરવા માગતો હતો, પણ નહોતો કરી શક્યો. જોકે વીડિયોમાં અક્ષરે પંતને હિન્દીની જાણીતી કહેવતનો ઉલ્લેખ કરતા કહ્યું, `સુબહ કા ભૂલા અગર શામ કો ઘર વાપસ આ જાયે તો ઉસે ભૂલા નહીં કેહતે.'

દરમ્યાન, લખનઊના ફ્રૅન્ચાઇઝીએ એક પોસ્ટમાં ટીમ પ્રત્યેના તેના યોગદાન બદલ આભાર માન્યો હતો. રિષભ પંતે આ પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરીને લખ્યું, `થૅન્ક યૂ ટીમ.' તેની આ પોસ્ટ વાઇરલ થઈ ગઈ છે.