નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નાં ડિજિટલ એકમ જિઓ પ્લેટફોર્મ ભારતનાં સૌથી મોટા એવા ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ)નાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કરવામાં આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સત્રના આરંભે રિલાયન્સના શૅરના ભાવમાં અંદાજે ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.
આજે બીએસઈ ખાતે રિલાયન્સના શૅરના ભાવ આગલા બંધ સામે 2.75 ટકા વધીને શૅરદીઠ રૂ. 1345.45 થયા બાદ અંતે 1.31 ટકા વધીને રૂ. 1326.55ની સપાટીએ બંધ રહ્યા હતા, જ્યારે એનએસઈ ખાતે ભાવ 2.70 ટકા વધીને રૂ. 1344.90 થયા બાદ અંતે 1.30 ટકા વધીને રૂ. 1326.50ના મથાળે બંધ રહ્યા હતા.
વધુમાં ગત શુક્રવારે કંપનીની શૅર ધારકોની 49મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેટેલાઈટ બ્રોડબેન્ડ, ક્લિન એનર્જી અને ક્નઝ્યુમર બિઝનૅસ ક્ષેત્રે કંપનીના આગામી તબક્કાની વૃદ્ધિ અંગે નિર્દેશ આપ્યો હોવાને કારણે પણ તેજીને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ટેલિકોમથી ટૅક્નોલૉજી કંપની જિઓ પ્લેટફોર્મ જેણે છેલ્લા એક દાયકાથી દેશને ડિજિટલ ક્ષેત્રે પરાવર્તિત કર્યું છે તેણે ગત શુક્રવારે બજાર નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી) સમક્ષ 27 કરોડ શૅરના નવાં જાહેર ભરણાં માટે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યું છે. આ બાબતથી વાકેફ એવાં સૂત્રોના જણાવ્યાનુસાર આ ઑફરિંગ થકી કંપનીના મૂલ્યાંકનમાં રૂ. 37,700 કરોડ (ચાર અબજ ડૉલર) જેટલો વધારો થશે.