Tue Jun 23 2026

Logo

ક્રૂડતેલમાં ભાવઘટાડો, વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે અને ઘટ્યા મથાળેથી આઈટી શૅરોમાં લેવાલી નીકળતાં સેન્સેક્સમાં 291 પૉઈન્ટનું રિબાઉન્ડ

2026-06-22 20:20:10
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણામાં પ્રગતિ થઈ રહી હોવાના અહેવાલ સાથે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે 1.66 ટકા ઘટીને  બેરલદીઠ 79.23 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશો સાથે ઈક્વિટી માર્કેટમાં પણ સુધારો જોવા મળ્યાના પ્રોત્સાહક નિર્દેશો ઉપરાંત ગત શુક્રવારે આઈટી શૅરોમાં કડાકા બોલાઈ ગયા બાદ આજે નીચા મથાળેથી લેવાલી નીકળતા બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 291.17 પૉઈન્ટનું અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 89.80 પૉઈન્ટનું રિબાઉન્ડ જોવા મળ્યું હતું. વધુમાં આજે સેન્સેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બૅન્કમાં સુધારાતરફી વલણ રહેતાં એકંદરે બજારને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 76,802.90ના બંધ સામે સુધારાના અન્ડરટોને 77,160.67ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 77,008.02 અને ઉપરમાં 77,325.56ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.38 ટકા અથવા તો 291.17 પૉઈન્ટ વધીને 77,094.07ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 24,013.10ના બંધ સામે વધીને 24,106.60ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 24,073.15 અને ઉપરમાં 24,168.05ની રેન્જમાં રહીને અંતે 0.37 ટકા અથવા તો 89.80 પૉઈન્ટ વધીને 24,102.90ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એક્સચેન્જ તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 10,082.08 કરોડની ખરીદી સામે રૂ. 10,717.99 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 635.91 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 17,391.78 કરોડની ખરીદી સામે રૂ. 16,356.06 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1035.72 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

આજે સ્વિટ્ઝર્લેન્ડ ખાતે અમેરિકા અને ઈરાક બન્ને દેશનાં ઉચ્ચ સ્તરિય અધિકારીઓની વચ્ચે શાંતિ વાટાઘાટોનો પહેલો રાઉન્ડ સારી રીતે સમાપન થયો હતો અને ગત એપ્રિલ મહિનામાં નિર્ધારિત કરેલા 60 દિવસના યુદ્ધ વિરામના સમયગાળામાં વિવાદનો ઉકેલ લાવવા બન્ને દેશો સહમત થયા હોવાનું મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાન અને કતારે પ્રસાર માધ્યમોમાં જણાવ્યું હતું. આમ  વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થવાના આશાવાદ સાથે આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી 225 અને શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક બજારના સુધારાને પણ ટેકો મળ્યો હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ મેનેજમેન્ટ કંપની એનરીચ મીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પોન્મુડી આર એ જણાવતાં ઉમેર્યું હતું કે આજે માત્ર હૉંગકૉંગના હૅંગસૅંગમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતુ અને યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનો અન્ડરટોન રહ્યાના અહેવાલ હતા. 

એકંદરે આજે બજારમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટાના પ્રોત્સાહક અહેવાલ છતાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સકારાત્મક અન્ડરટોન સાથે બજાર સાંકડી રેન્જમાં અથડાતું રહ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 27 શૅરના ભાવ વધીને અને 23 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 19 શૅરના ભાવ વધીને અને 11 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 1.72 ટકાનો વધારો ટેક મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે સન ફાર્મામા 1.43 ટકાનો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 1.31 ટકાનો, ઈન્ફોસિસમાં 1.29 ટકાનો, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 1.01 ટકાનો અને બજાજ ફિનસર્વમાં 0.99 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં એશિયન પેઈન્ટ્સમાં 2.17 ટકાનો, ટાઈટનમાં 1.15 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 0.87 ટકાનો, ટ્રેન્ટમાં 0.78 ટકાનો, આઈટીસીમાં 0.75 ટકાનો અને હિન્દુસ્તાન યુનીલિવરમાં 0.50 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

આજે બીએસઈ ખાતે કુલ 4586 શૅરમાં કામકાજ થયા હતા જેમાંથી 2606 શૅરના ભાવ વધીને, 1794 શૅરના ભાવ ઘટીને અને 186 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. જોકે, આજે 217 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 64 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને 282 શૅરમાં ઉપલી અને 177 શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી. વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.60 ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં 0.45 ટકાનો સુધારો આવ્યો હતો. 

બીએસઈનાં સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે બીએસઈ યુટિલિટી ઈન્ડેક્સમાં 1.01 ટકાનો ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે હૅલ્થકૅર ઈન્ડેક્સમાં 0.81 ટકાનો, એનર્જી ઈન્ડેક્સ અને ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 0.68 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 0.62 ટકાનો અને ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 0.62 ટકાનો સુધારો આવ્યો હતો. તેની સામે ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.05 ટકાનો અને એફએમસીજી ઈન્ડેક્સમાં 0.31 ટકાનો ઘટાડો આવ્યો હતો.