Fri Jun 05 2026

Logo

લલિત મોદીએ સુષ્મિતા સેન પછી હવે PM મોદી અને સોનિયા ગાંધી અંગે કરી ચોંકાવનારી વાતો, જાણો શું કહ્યું?

2026-06-04 15:29:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી આજકાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા તેમણે સુષ્મિતા સેન સાથે બ્રેકઅપને લઈ ખુલાસો કર્યો હતો. જે બાદ તેમણે વધુ એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, હું નરેન્દ્ર મોદીની નજીક હતો. તેમની અને પીએમ મોદી વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને લઈ મોટા ભાગે વાતચીત થતી હતી, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અંગે ચોંકાવનારી વાતો કરી છે.

શું કહ્યું લલિત મોદીએ
લલિત મોદીએ કહ્યું, નરેન્દ્ર મોદી ક્રિકેટના મોટા પ્રશંસક હતા. અમદાવાદમાં ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેમને રસ હતો અને અમારી વાતચીત ક્રિકેટ પૂરતી જ મર્યાદિત હતી. હું નરેન્દ્ર મોદીની નજીક હતો, પરંતુ આ નિકટતા ક્રિકેટને લઈ હતી, રાજનીતિને લઈ નહીં.

લલિત મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈ થોડા દિવસ પહેલાં એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું, જો મને મોકો મળે તો આ સ્ટેડિયમને તોડીને ત્યાં દર્શકોને વધુ સારો અનુભવ મળે તે માટે નવું સ્ટેડિયમ બનાવીશ. વિશ્વના અગ્રણી ક્રિકેટ સ્ટેડિયમને લઈ તેમણે આપેલા નિવેદનની ઘણી ચર્ચા થઈ હતી.

પોતાના જૂના નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં લલિત મોદીએ કહ્યું કે તેઓ સ્ટેડિયમની આલોચના નહોતા કરતાં, પરંતુ ભારતીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે દીર્ઘદ્રષ્ટિની વાત કરતા હતા. તેમણે કહ્યું, આજે આ ભારતનું સૌથી સારું સ્ટેડિયમ છે પરંતુ આટલું જ પૂરતું નથી. મેં કહ્યું હતું કે હું તેને ફરી તોડીને બનાવીશ. મેં સ્પષ્ટ કહ્યું હતું કે, આજે ભારતનું સૌથી શ્રેષ્ઠ સ્ટેડિયમ છે. પરંતુ જો મારે આંતરરાષ્ટ્રીય સ્તરનો ફેન એક્સપીરિયન્સ આપવો હોય તો હું તેને ફરીથી બનાવીશ.

આ ઉપરાંત લલિત મોદીએ કહ્યું, BCCI પાસે આજે જેટલી આર્થિક તાકાત અને વૈશ્વિક પ્રભાવ છે, તેને જોતા ભારતે દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત રમતગમતના મેદાનોની બરાબરી કરી શકે તેવા સ્ટેડિયમ બનાવવા જોઈએ. આજે તમે વેમ્બલી સ્ટેડિયમ, લોર્ડ્સ, બાર્સિલોનાનું કેમ્પ નો, માન્ચેસ્ટર યુનાઇટેડનું ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ જુઓ. આ તમામ આપણા કોઈપણ સ્ટેડિયમ કરતાં ઘણા સારા છે. આજે BCCI પાસે પહેલા કરતાં વધુ પૈસા છે, તેથી આપણે વધુ મોટા પાયે વિચારવું જોઈએ.

શશી થરુરના બચાવમાં આવ્યા હતા
દરમિયાન લલિત મોદીએ સોનિયા ગાંધીએ સ્ફોટક દાવો કર્યો કે 2010માં આઈપીએલના કોચી કૌભાંડમાં કોંગ્રેસે સંપૂર્ણ મશીનરી અને તત્કાલીન યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધી થરુરના બચાવમાં આવ્યા હતા. સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યૂમાં લલિત મોદીએ કહ્યું કે થરુરનાં દિવંગત પત્ની સુનંદા પુષ્કરને સંડોવનારા કથિત છેતરપિંડીપૂર્ણ ઇક્વિટી માળખા પર કોચી કન્સોર્ટિયમના પ્રવેશને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તત્કાલીન યુપીએ સરકારની સમગ્ર મશીનરીએ તેને ઉથલાવી પાડવાનું કાવતરું ઘડ્યું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શશિ થરૂરનો બચાવ કોણ કરી રહ્યું હતું ત્યારે લલિત મોદીએ કહ્યું કે સોનિયા ગાંધી. મારા પર ચારે બાજુથી નિશાન બનાવવામાં આવ્યો હતો. મને અહેમદ પટેલના પણ ફોન આવતા હતા. તે દિવસોમાં મને પ્રણવ મુખરજીના પણ ફોન આવતા હતા. જોકે, હું તે બધા સાથે મૈત્રીપૂર્ણ હતો. રાજીવ શુક્લા મારી પાસે આવતા અને મને કહેતા કે આ કરો, તે કરો.

સુષ્મિતા મારા માટે ખાસઃ લલિત મોદી
થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યૂમાં લલિત મોદીએ સુષ્મિતા સેને પોતાની જિંદગીના સૌથી જરૂરી લોકો પૈકીની એક ગણાવી હતી તેમ જ બ્રેકઅપમાં બંને વચ્ચેના લાંબા અંતરે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો ખુલાસો કર્યો હતો. લલિત મોદી અનુસાર બંને વચ્ચે કોઈ ડ્રામેટિક બ્રેકઅપ નહોતું થયું, પરંતુ ધીમે ધીમે બંનેની જિંદગી અલગ દિશામાં આગળ વધી હતી. સુષ્મિતા ભારતમાં અને હું લંડનમાં રહેતો હતો.

સુષ્મિતા મારી સારી ફ્રેન્ડ પણ ખરી
આ ઉપરાંત, લલિત મોદીએ કહ્યું, સુષ્મિતા મારા માટે ખાસ હતી. તેને અનેક રીતે મને મેચ્યોર થવામાં મદદ કરી હતી. તે મારી જિંદગીનો મહત્વનો હિસ્સો હતી અને આગળ પણ હોત પરંતુ અમારા બંને વચ્ચે ખૂબ અંતર હતું. તેનું કરિયર ભારતમાં હતું અને મારી લાઈફ લંડનમાં હતી. પરંતુ અમારો સંબંધ ખૂબ જ ખાસ હતો અને તેની સાથેની પ્રેમાળ યાદો મારા દિલમાં છે. તે આજે પણ મારી સારી મિત્ર છે. તે એક અદભૂત મહિલા છે અને તેણે તેની બે દીકરીઓ માટે જે કંઈ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. તે ખૂબ ખાસ મહિલા છે.