મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ વર્ષો અગાઉ ડિપ્રેશનનો શિકાર બની હતી. તે સમયે તેના પરિવારે તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. વર્ષ 2015માં તેણે પહેલી વાર પોતાના ડિપ્રેશનની ચર્ચા કરી હતી. અગાઉ પણ તેણે તેના પરિવાર સાથે આ બાબતે લાંબી ચર્ચા કરી હતી. અભિનેત્રીએ પોતાના અભિનયથી બોલીવુડમાં ખૂબ નામના કમાવી છે. તેના માટે તેણે ખૂબ પરિશ્રમ પણ કર્યો છે. તેની સફળતા પાછળનું રહસ્ય તેના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું તો ચાલો જાણીએ શું છે તેની સફળતા પાછળનું કારણ?
દીપિકા પાદુકોણની સફળતાનું કારણ
'સમથિંગ બિગર' નામના એક પોડકાસ્ટમાં દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણે દીપિકા વિશે મહત્ત્વની ચર્ચા કરી હતી. તેમણે દીપિકાની સફળતાનો શ્રેય સ્પોર્ટ્સને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે દીપિકા આજે જે કંઈ પણ છે તે ફોકસ અને શિસ્ત અને મોટું વિચારવાની ક્ષમતાના કારણે છે. દીપિકા ખૂબ સારી બેડમિન્ટન પ્લેયર હતી અને તેને રાષ્ટ્રીયસ્તરે બેડમિન્ટન પણ રમતી હતી.
રોજ સવારે 5 વાગ્યે ઉઠીને તે પોતાની એકેડેમીના પ્લેયર્સ સાથે ટ્રેનિંગમાં જતી હતી. ટ્રેનિંગમાંથી આવીને તે ડાયરેક્ટ સ્કૂલ જતી હતી. તેની જિંદગી શિસ્તથી ભરપૂર રહ્યું હતું. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક રમતમાં તો ભાગ લેવો જ જોઈએ અને આ રમત શિસ્ત લઈને આવે છે.
બાળકોને એક્ટિવ રાખો
તેમણે દરેક માતાપિતાને સલાહ આપતા જણાવ્યું હતું કે દરેક માતા-પિતાએ તેમના બાળકને કોઈ એક સ્પોર્ટમાં ભરતી કરવું જોઈએ. બાળકોને એક્ટિવ રાખવા ખૂબ જરૂરી છે. રમતગમત એક વ્યક્તિને સારી બાબતો શીખવામાં મદદરૂપ બને છે, જે આગળ તેના ભવિષ્યમાં કામ આવે છે.
દીપિકાના પિતાએ ડિપ્રેશન બાબતે ખુલાસો કરતા કહ્યું હતું કે જયારે 2015માં દીપિકાએ પહેલીવાર પોતાના ડિપ્રેશન અંગે વાતચીત કરી હતી ત્યારે તેણે પહેલા તેના પરિવાર સાથે આ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. દીપિકાની માતાએ તેને ખૂબ સાથ આપ્યો હતો.
અલ્લુ અર્જુન સાથે કામ કરશે
દીપિકા ભલે અત્યારે ફિલ્મજગતની લાઈમલાઈટથી દૂર છે, પણ તેની આગામી ફિલ્મોની ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું છે. દીપિકાએ શાહરુખ ખાન સાથે આવનારી ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે ત્યાર બાદ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે ફિલ્મ 'રાકા'માં પણ જોવા મળશે.