Fri Jun 05 2026

Logo

બોલો, ગૂગલે સિંગરને જાહેર કર્યો મૃતઃ ગાયકે સ્ક્રીનશોટ શેર કરી લખ્યું 'અભી હમ ઝિંદા હૈ'

2026-06-04 20:23:25
Author: Chandrakant Kanoja
Article Image

જયપુરઃ સોશ્યિલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ ખોટી અફવાઓ જાણીતા કલાકારોના નિધન વિશે ફેલાતી રહેતી હોય છે, આવું જ કંઈક તાજેતરમાં રાજસ્થાનના પ્રખ્યાત લોક ગાયક સ્વરૂપ ખાન સાથે બન્યું હતું. તેમને ગૂગલ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ સોશિયલ મીડિયા પર હંગામો થયો હતો. જોકે, આ બાબત અંગે ખૂદ કલાકારે સ્પષ્ટતા કરતા તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું હતું.

આ ઘટના બાદ સ્વરૂપ ખાન વિશેની આ ખબર ઝડપથી વાઇરલ થઇ ગઈ હતી. આ ખબરથી અફવાઓએ જોર પકડ્યું હતું. બાદમાં સ્વરૂપ ખાનને આ બાબતે જાણ થતા જ તેમણે પોતે જ તેમના ચાહકોને જાણ કરી હતી, અને આ અફવાઓ પર વિરામ લગાવ્યો હતો.  બાદમાં સ્વરૂપ ખાને ગૂગલ લિસ્ટિંગનો એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો, જેમાં 2 જૂન 2026ને ભૂલથી તેમના મૃત્યુની તારીખ તરીકે બતાવવામાં આવી હતી. 

જીવિત છે સ્વરૂપ ખાન 

સ્વરૂપ ખાને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીન શોટની સાથે એક કેપ્શ્ન લખ્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે 'અભી હમ ઝિંદા હે' અને સાથે એક સ્માઈલી ઈમોજી મૂકી ગૂગલ ઇન્ડિયાને પણ ટેગ કર્યું હતું. આ ટિપ્પણી અંગે ચાહકો ખુશ થઈ ગયા હતા અને અમુક લોકોએ ગૂગલની બેદરકારી પર ગંભીર સવાલો પણ ઊઠાવ્યા હતા. 

મોત કે અફવા?

જયારે સ્વરૂપ ખાને પોતાના નિધનની ખબરો વિશે જાણ્યું ત્યારે તેમણે ખબરોમાં વાંચ્યું કે રાજસ્થાનના જેસલમેરમાં ખતરનાક તોફાન બાદ એક રિસોર્ટની દીવાલ ધ્વસ્ત થઇ જતા સ્વરૂપ ખાનનું મૃત્યુ થયું હતું. મીડિયાના એક અહેવાલ અનુસાર જિલ્લા મુખ્યાલયથી 45 કિલોમીટર દૂર એક રિસોર્ટની દીવાલ સોમવારે મોડી રાતે વંટોળના લીધે ધસી પડી હતી, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

રિસોર્ટના માલિકનું નિવેદન 

મીડિયાના રિપોર્ટ અનુસાર 25 વર્ષીય ગાયકે સાંજના સમયે તે જ જગ્યા પર ગીતો ગાયા હતા. આ ઘટના વિશે વાત કરતા રિસોર્ટના માલિક બારોચ ખાને જણાવ્યું હતું કે તોફાનના સમયે મંચ પાછળ બનેલી મોટી કોન્ક્રીટની દીવાલ ધસી પડી હતી, જ્યાં 40 વ્યક્તિ હાજર હતા. 

કોણ છે સ્વરૂપ ખાન?

સ્વરૂપ ખાન મૂળ બારસિયાના ગામનો વતની છે. તેને ફિલ્મ 'PK'માં 'ઠરકી છોકરો' અને  પદ્માવત'માં 'ઘુમર' જેવા ગીતોમાં પોતાનો સુરીલો અવાજ આપ્યો હતો. તેણે ઇન્ડિયન આઇડલ શૉમાં હિસ્સો લીધો હતો. તેને પહેલો બોલીવુડમાં બ્રેક પણ બપ્પી લહેરી દ્વારા  આપવામાં આવ્યો હતો, જેમાં તેને ફિલ્મ 'ઈમોશનલ અત્યાચાર'ના ટાઇટલ ટ્રેકને ગાવાની તક મળી હતી.