Wed Jun 03 2026

Logo

અમેરિકાએ ભારતથી થતી આયાત સામે વધારાની 12.5 ટકા ડ્યૂટી લાદતા ડૉલર સામે રૂપિયામાં 40 પૈસાનો કડાકો

2026-06-03 19:44:26
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે શ્રમીક કાયદાના ભંગનો આક્ષેપ કરીને ભારતથી થતી આયાત સામે વધારાની 12.50 ટકા આયાત જકાત લાદી હોવાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ક્રૂડતેલના ભાવમાં વધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 40 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો અને 95.76ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.36ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.43ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.80 અને ઉપરમાં 95.43ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 40 પૈસાના ઘટાડા સાથે 95.76ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 17 પૈસાનો ઘટાડો આવ્યો હતો. 

ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે કલમ 31 હેઠળ કરવામાં આવેલી તપાસમાં અમેરિકામાં થતી આયાત ચીજોમાં શ્રમિક કાયદાનો ભંગ થયો હોવાના આક્ષેપ સાથે ભારત સહિત 54 દેશોથી થતી આયાત સામે 12.50 ટકા અતિરિક્ત ડ્યૂટી લાદી હોવાથી તેમ જ અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો અટકવાની ભીતિ હેઠળ ક્રૂડતેલના ભાવ વધી આવતા ડૉલર સામે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.13 ટકા વધીને 99.34 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.76 ટકા વધીને બેરલદીઠ 98.65 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 303.67 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 77.95 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 8362.92 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.