(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા-ઈરાન વચ્ચે ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદ વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગ છતાં નરમાઈનું વલણ અને ક્રૂડતેલમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાધારણ બે પૈસાનો સુધારો આવ્યો હતો. જોકે, ગઈકાલે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 5616.56 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે ભારત ક્રૂડતેલનો આયાતનિર્ભર દેશ છે અને અમેરિકા-ઈરાનની કટોકટીને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ રહેતાં ભારત સામે એનર્જીને લગતાં જોખમ વધુ રહેતા રૂપિયો દબાણ હેઠળ રહે છે.
વધુમાં આજે ટ્રેડરોની નજર આવતીકાલે સમાપન થઈ રહેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસીની ત્રણ દિવસીય બેઠકના અંતે રિઝર્વ બૅન્કના ગવર્નર ભવિષ્યમાં ફુગાવો, આર્થિક વૃદ્ધિ અને કેવી નાણાનીતિ અપનાવવામાં આવશે તેના સંકેતો પર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે કામકાજો પાંખાં રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે હાજરમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.76ના બંધ સામે સાધારણ સુધારા સાથે 95.70ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.87 અને ઉપરમાં 95.59ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે 95.74ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 40 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો.
એકંદરે વૈશ્વિક સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતું હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળતા રૂપિયો 95.40થી 96.15ની રેન્જમાં જોવા મળી શકે છે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકા ઈરાન વચ્ચેના કોઈ સકારાત્મક સંકેત રૂપિયામાં ધોવાણ અટકાવી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.21 ટકા ઘટીને 99.31 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.04 ટકા ઘટીને બેરલદીઠ 95.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે સાધારણ 13.84 પૉઈન્ટનો અને 10.95 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેની રૂપિયા પર ખાસ અસર નહોતી જોવા મળી, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.