મૅન્ટિન (મલયેશિયા): ક્રિકેટમાં અમુક નિયમો એવા બન્યા છે કે જે વિશે જો કોઈ ખેલાડીને જાણ ન હોય તો તેણે હાસ્યાસ્પદ અને શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું પડે અને ભુતાન (Bhutan)ની 28 વર્ષીય રિત્શી શૉડેન નામની મહિલા ક્રિકેટર સાથે ગુરુવારે કંઈક આવું જ બન્યું. તે મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં `ટાઇમ્ડ આઉટ' (Timed Out) થનારી પ્રથમ ખેલાડી બની હતી. તેને `ટાઇમ્ડ આઉટ'ના આંતરરાષ્ટ્રીય નિયમ હેઠળ અમ્પાયરે આઉટ જાહેર કરી હતી. બીજી રીતે કહીએ તો તેણે હજી એકેય બૉલનો સામનો નહોતો કર્યો અને તેને આઉટ આપવામાં આવી હતી.
મલયેશિયામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની વિમેન્સ પ્રીમિયર કપ ટી-20 ટૂર્નામેન્ટ ચાલે છે અને એમાં ભુતાન-નેપાળ વચ્ચે ગુરુવારે મૅચ રમાઈ હતી. નેપાળે 113 રન બનાવ્યા ત્યાર બાદ ભુતાને 20 ઓવરમાં આઠ વિકેટે 62 રન બનાવ્યા હતા અને નેપાળે 51 રનથી વિજય મેળવ્યો હતો.
બન્યું એવું કે ઑલરાઉન્ડર રિત્શી શૉડેન નેપાળની ઇનિંગ્સમાં ઓપનર બિન્દુ રાવલને તેના પહેલા જ બૉલ પર આઉટ કરવા બદલ ખૂબ ખુશ હતી, કારણકે તેણે નેપાળને 113 રન સુધી સીમિત રખાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જોકે ભુતાનની ઇનિંગ્સમાં તેને લઈને ગજબની ઘટના બની ગઈ.

90 સેક્નડનો નિયમ ન પાળી શકી
ભુતાનની બે ઓપનર ઍન્ગાવાન શૉડેન અને ડેશેન વૉન્ગમો 114 રનનો લક્ષ્યાંક ચેઝ કરવા માટે મેદાન પર ઊતરી હતી. ઓપનર ઍન્ગાવાન શૉડેન દાવના પહેલા જ બૉલમાં આઉટ (ગોલ્ડન ડક) થઈ ગઈ હતી. બાવીસ વર્ષીય કબિતા કંવરે તેને ક્લીન બોલ્ડ કરી હતી. તે આઉટ થયા બાદ નિયમ પ્રમાણે વનડાઉન બૅટર રિત્શી શૉડેને સમયસર મેદાન પર આવી જવાનું હતું. 40 નંબરના નિયમ મુજબ તેણે 90 સેક્નડની અંદર પોતાના પ્રથમ બૉલનો સામનો કરવા માટે ક્રીઝમાં તૈયાર રહેવાનું હતું. જોકે પહેલાં તો તે ખૂબ આરામથી મેદાન પર આવી હતી. તે 90 સેક્નડ બાદ હાથમાં ગ્લવ્ઝ અને હેલ્મેટ લઈને મેદાન પર દોડી આવી હતી. આવ્યા પછી તે લેગ-અમ્પાયર સાથે વાતચીત કરવા લાગી હતી. તે ક્રીઝમાં પહોંચી ત્યારે 90 સેક્નડ ક્યારની પૂરી થઈ ચૂકી હતી.

અમ્પાયરે આઉટ આપી, રિત્શીએ વિરોધ કર્યો
રિત્શી શૉડેન ક્રીઝમાં બૅટિંગ કરવાની તૈયારી કરી રહી હતી ત્યારે નેપાળની ફીલ્ડર્સે હાથ ઊંચા કરીને અમ્પાયરને સંકેત કર્યો હતો કે રિત્શી શૉડેન બૅટિંગ ન કરી શકે, તે આઉટ કહેવાય. એ ફીલ્ડર્સમાંથી પૂજા મહાતોને નિયમની પાક્કી જાણ હતી અને તેણે મુખ્ય અમ્પાયર સાથે વાતચીત કરી હતી. થોડી જ વારમાં નેપાળની ખેલાડીઓએ રિત્શીની વિકેટનું સેલિબે્રશન શરૂ કરી દીધું હતું. અમ્પાયરે રિત્શીને કહ્યું, `તું આઉટ છે!' રિત્શી વિરોધ કરતી-કરતી પાછી જતી રહી હતી. એ તબક્કે ભુતાનનો સ્કોર હતો, એક જ બૉલમાં શૂન્યમાં બે વિકેટ. એ સાથે, રિત્શી શૉડેન મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં `ટાઇમ્ડ આઉટ'માં વિકેટ ગુમાવનાર પ્રથમ ખેલાડી બની હતી.
— CAN (@CricketNep) June 4, 2026
નેપાળના ક્રિકેટ સત્તાધીશોએ માફી માગી
ભુતાનની રિત્શી શૉડેન વિશે નેપાળની ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ અમ્પાયર પાસે નિર્ણય લેવડાવ્યો હતો. જોકે એનાથી નેપાળનું ક્રિકેટ બોર્ડ ખુશ નહોતું. ક્રિકેટ અસોસિયેશન ઑફ નેપાળે ભુતાન ક્રિકેટની અને ભુતાનની ટીમની માફી માગતા જણાવ્યું હતું કે `અમારી ખેલાડીઓએ ક્રિકેટના કાયદામાં રહીને તમારી ખેલાડીને આઉટ કરાવી હતી, પણ અમારા માટે કાયદાથી પણ વિશેષ છે ખેલભાવના અને અમે હંમેશાં સ્પિરિટ ઑફ ધ ગેમને જ વળગી રહીશું.'