નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ચોમાસું સત્ર પૂર્વે ફરી એકવાર ડિલીમીટેશન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં સરકાર "વન નેશન વન ઇલેકશન" સાથે જ આ બિલ લાવી શકે છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર આ મોટા બંધારણીય સુધારા પૂર્વે રાજકીય સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જેની માટે ડીએમકે અને ટીએએમસી જેવા પક્ષો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
સંસદમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી
જો કેન્દ્ર સરકાર સંસદમાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી કરે તો સરકાર સંયુક્ત રીતે ડિલીમીટેશન અને વન નેશન વન ઇલેકશન બિલ રજૂ કરી શકે છે. હાલમાં કેટલાક ટીએમસી નેતાઓએ આ પહેલ પ્રત્યે સકારાત્મક પ્રતિભાવનો સંકેત આપ્યો છે અને ડિલીમીટેશન પર ખુલ્લી ચર્ચા માટે ખુલ્લા છે. આ દરમિયાન ડીએમકે જેણે અગાઉ આ મુદ્દાનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. તે પણ આ વખતે પ્રમાણમાં નરમ વલણ અપનાવ્યું હોય તેવું લાગે છે અને સુધારેલા પ્રસ્તાવની રાહ જોઈ રહ્યું છે. સરકારની આ પહેલને સંસદમાં બિલ રજૂ કરતા પહેલા વ્યાપક સર્વસંમતિ બનાવવાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહી છે.
સરકાર આ પૂર્વે ડિલીમીટેશન અને મહિલા અનામત બિલ પસાર કરવામાં નિષ્ફળ
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ડિલીમીટેશન અને મહિલા અનામત બિલ દરખાસ્ત લોકસભામાં પૂરતું સમર્થન મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. જેમાં 529 સભ્યોમાંથી 298 સભ્યોએ સરકારના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે 230 સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આવા બિલને પસાર કરવા માટે 352 મત (બે તૃતીયાંશ બહુમતી) જરૂરી હોવાથી સરકાર આ વખતે અગાઉથી સમર્થન મેળવવા માટે સક્રિયપણે કાર્યરત છે.