Wed Jun 03 2026

Logo

ડૉલર મજબૂત થતાં વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 3725ની અને સોનામાં રૂ. 1258ની પીછેહઠ

2026-06-03 19:45:03
Author: Ramesh Gohil
Article Image

સોનાનું વેચાણ કર્યું હોવાના અહેવાલને રિઝર્વ બૅન્કનો રદિયો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની સાથે શાંતિ કરાર અંગેનો આશાવાદ મંદ પડતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના સંકેતો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3725નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1253થી 1258ની પીછેહઠ જોવા મળી હતી. 

વધુમાં તાજેતરમાં પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થતાં ધોવાણને ખાળવા બજારમાં હસ્તક્ષેપ માટે રિઝર્વ બૅન્કે તેની સોનાની અનામતમાંથી અંદાજે 12 અબજ ડૉલરના મૂલ્યના સોનાનું વેચાણ કર્યું હોવાની શક્યતા બજારમાં વ્યક્ત થઈ રહી હતી. જોકે, આજે રિઝર્વ બૅન્કે સ્પષ્ટતા કરતાં એક યાદીમાં જણાવ્યું હતું કે સોનાની અનામતમાં કોઈ ફેરફાર નથી થયો અને તે 880.52 ટનની સપાટીએ યથાવત્‌‍ રહી છે. 

આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3725ના ઘટાડા સાથે રૂ. 2,61,575ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં રોકાણલક્ષી તેમ જ સ્ટોકિસ્ટોની નિરસ માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1253ના ઘટાડા સાથે રૂ. 1,54,415 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1258ના ઘટાડા સાથે રૂ. 1,55,036ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 4463.74 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4492 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 74.37 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

આજે અમેરિકા અને ઈરાન વચ્ચેની રાજદ્વારી વાટાઘાટોમાં ધીમી પ્રગતિની સાથે ઈરાને કુવૈતના એરપોર્ટ પર અને અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સામુદ્રધુની પર હુમલાઓ કર્યા હોવાના અહેવાલ સાથે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એફએક્સટીએમના રિસર્ચ એનાલિસ્ટ લુકમાન ઓટુંગાએ જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 4450 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે. 

નોંધનીય બાબત એ છે કે ઈરાન સાથેના યુદ્ધ પૂર્વે અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ 2026માં બે વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા જોવાઈ રહી હતી, પરંતુ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારાને ધ્યાનમાં લેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મહિનામાં વ્યાજદમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો મૂકી રહ્યા છે.