Mon Jun 15 2026

Logo

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSC દ્વારા 250+ જગ્યાઓ પર બમ્પર ભરતી

2026-06-04 22:48:06
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં સરકારી અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ની જગ્યાઓ માટે 250થી વધારે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમજ વિવિધ મહાનગરપાલિકાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.

આ જાહેરાતમાં સૌથી મોટી અને નોંધપાત્ર ભરતી માર્ગ અને મકાન વિભાગમાં 'મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૨' માટેની છે, જેમાં સૌથી વધુ કુલ ૨૦૦ જગ્યાઓ પર સીધી નિમણૂક કરવામાં આવનાર છે. સરકારી ક્ષેત્રે એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક મોટી તક સાબિત થશે.

આ ઉપરાંત, આ જાહેરનામામાં અન્ય ઘણી મહત્વની વહીવટી અને ટેકનિકલ જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગમાં સંશોધન અધિકારી (વર્ગ-૨) ની 20 જગ્યાઓ, ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં મદદનીશ ઇજનેર (યાંત્રિક અને બાંધકામ) ની 35 જગ્યાઓ અને વિવિધ મહાનગરપાલિકાઓમાં એસ્ટેટ, આઈ.સી.ટી., લીગલ અને વહીવટી અધિકારીઓની જગ્યાઓનો સમાવેશ થાય છે. 

સાથોસાથ, જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-૧), ભૂસ્તરશાસ્ત્રી, નાયબ પશુપાલન નિયામક અને ઔદ્યોગિક સલામતી અધિકારી જેવી વિશિષ્ટ અને ઉચ્ચ કક્ષાની પોસ્ટ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો આ વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની અંતિમ તારીખ વગેરે વિગતો GPSC ની સત્તાવાર વેબસાઇટ પરથી જાણી શકશે. આ માટે આવતીકાલથી એટલે કે તારીખ- 5 જૂન 2026થી (બપોરનાં 3 કલાક) થી તારીખ 19 જૂન 2026 (રાત્રિનાં ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મંગાવવામાં આવી છે.