કેલિફોર્નિયાઃ સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયા છે.દિવસની શરૂઆતથી લઈને રાત્રીની ઊંઘ સુધી મોટાભાગનું કામ આજે સ્માર્ટ ફોન પર કરવું શક્ય બની ગયું છે. ઓફિસ ડૉક્યુમેન્ટથી લઈને ડિજિટલ ગેમ્સ સુધી, પેમેન્ટ થઈને પિક્ચર ક્લિક કરવા સુધીની પ્રોસેસ ફોન પર થઈ જાય છે. બેંકિંગ અને સોશિયલ મીડિયાથી લઈને ઓનલાઈન શિક્ષણ અને મનોરંજન સુધી, આપણે લગભગ દરેક કાર્ય માટે આપણા ફોન પર આધાર રાખીએ છીએ.આ દરેક કાર્યમાં સૌથી વધારે માર બેટરી પર પડે છે.
દર વખતે ફોલ્ટ બેટરીનો નથી હોતો
લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે વારંવાર તેમના ફોન ચાર્જ કરવા પડે છે અથવા બેટરી ઝડપથી ઊતરી જાય છે. આનું કારણ હંમેશા ખામીયુક્ત બેટરી નથી હોતી.કેટલીક ખરાબ ટેવો પણ તેના માટે જવાબદાર છે. હંમેશા બ્રાઇટનેસ 100 ટકા રાખો છો, તો બેટરી ઝડપથી ખતમ થઈ જશે. ઓટો-બ્રાઇટનેસ સુવિધાનો ઉપયોગ કરવો અથવા જરૂર મુજબ સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખવી સલાહભર્યું છે.આ સિવાય રાત્રીના સમયે થોડી લૉ બ્રાઈટનેસમાં પણ કામ ચાલી જાય છે. ઘણી બધી એપ્સ એવી છે જે ફોન ઉપયોગમાં ન હોય ત્યારે પણ બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહે છે. આ એપ્સ સતત ઇન્ટરનેટ ડેટા, લોકેશન સેવાઓ અને અન્ય રીસોર્સનો ઉપયોગ કરે છે, જેના કારણે બેટરીનો વપરાશ વધે છે. બિનજરૂરી એપ્સને સમયાંતરે બંધ કરવી અને તેમની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી મર્યાદિત કરવી જરૂરી છે.આ સિવાય લાસ્ટ એપ્સ હિસ્ટ્રી પણ એપ્લિકેશનના ઉપયોગ બાદ બંધ કરવી જરૂરી છે.
આ સર્વિસ બંધ રાખી શકાય
GPS,બ્લૂટૂથ અને Wi-Fi જેવી સુવિધાઓ સતત ચાલું રાખવાથી બેટરી પર વધારાનો લોડ પડે છે.આ સુવિધાઓની જરૂર ન હોય, તો તેમને બંધ રાખવી શ્રેષ્ઠ છે.આમ કરવાથી બેટરી બચે છે અને ફોન લાંબા સમય સુધી કામ આપે છે. સોશિયલ મીડિયા, શોપિંગ અને ગેમિંગ એપ્લિકેશન્સ તરફથી સતત નોટિફિકેશન પાવરનો ઉપયોગ કરે છે. આ નોટિફિકેશનના સતત અવાજ અને વાયબ્રેશનથી બેટરી ઊતરે છે. શોપિંગ એપ્સ પર નોટિફિકેશન બંધ રાખવાથી ફાયદો એ થાય છે કે, જરૂરી કામ બાદ ખોટા મેસેજ આપતા નથી. જે એપ્લિકેશનનો વારંવાર ઉપયોગ થતો નથી એની અપડેટ નોટિફિકેશન પણ બંધ રાખવી હિતાવહ છે.
આખી રાત ચાર્જમાં મૂકી રાખવું અયોગ્ય
ફોનને 0% સુધી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થવા દેવાથી અથવા તેને રાતોરાત ચાર્જ કરવા માટે પ્લગ ઇન રાખવાથી બેટરીની હેલ્થ બગડે છે.નિષ્ણાંતોના મતે,સામાન્ય રીતે બેટરી ચાર્જ લેવલ 20% થી 80% ની વચ્ચે રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. વ્યક્તિએ હંમેશા ઉચ્ચ-ગુણવત્તાવાળા ચાર્જર અને કેબલનો ઉપયોગ કરવો જોઈએ.ખાસ કરીને કંપનીના ચાર્જર સિવાય બીજા કોઈ ચાર્જરથી ચાર્જ કરવું ન જોઈએ. ઘણા લોકો વારંવાર સોફ્ટવેર અપડેટ્સને અવગણે છે.કંપનીઓ ઘણીવાર આ અપડેટ્સ દ્વારા સુવિધાઓ રજૂ કરે છે જે બેટરી ઑપ્ટિમાઇઝેશન અને પર્ફોમન્સ સુધારે છે. તેથી ફોનને નિયમિતપણે અપડેટ રાખવો જરૂરી છે.એપ્લિકેશનની દરેક અપડેટ નાંખવી જરૂરી હોતી નથી. ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલે, તો સ્ક્રીનની બ્રાઇટનેસને નિયંત્રણમાં રાખો, બિનજરૂરી એપ્લિકેશનો દૂર કરો, જરૂર ન હોય ત્યારે લોકેશન સેવાઓ અને બ્લૂટૂથ બંધ કરો અને નિયમિતપણે સોફ્ટવેર અપડેટ્સ ઇન્સ્ટોલ કરો.આનાથી ફક્ત તમારા બેટરી બેકઅપને જ નહીં, પરંતુ બેટરીના એકંદર આયુષ્યને પણ લંબાવી શકો છો.